Headlines

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તા પર નડતરરૂપ બનતી વૃક્ષોની ડાળીઓના ટ્રિમિંગની કામગીરીને વેગ




શહીદ ચોક, નવાપાડા અને ખારવાવાડ વિસ્તારમાં હાથ ધરાઈ કામગીરી : ચોમાસા પૂર્વે શહેરમાં સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓ જળવાઈ રહે તે માટે તંત્ર સજ્જ

તા. ૧૫/૦૫/૨૦૨૬


ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી પોરબંદર શહેરમાં સંભવિત અકસ્માતો અને અવરોધોને અટકાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં વૃક્ષોની નડતરરૂપ ડાળીઓના ટ્રિમિંગ અને કટીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઈટ તેમજ વાહનવ્યવહારને અડચણરૂપ બનતી વૃક્ષોની મોટી ડાળીઓ દૂર કરવામાં આવી રહી છે.
ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષોની સુકાઈ ગયેલી અથવા વધુ ફેલાયેલી ડાળીઓ તૂટી પડવાની શક્યતા રહેતી હોય છે, જેના કારણે જાનહાનિ, વાહન અકસ્માતની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આગોતરા તકેદારીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. શહેરના શહીદ ચોક, નવાપાડા અને ખારવાવાડ વિસ્તારમાં વૃક્ષોની કેટલીક મોટી ડાળીઓ જાહેર માર્ગ અને વીજવાયર માટે જોખમરૂપ બની રહી હોવાની સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી નડતરરૂપ ડાળીઓનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ અને ટેક્નિકલ સ્ટાફ દ્વારા સુરક્ષાના તમામ માપદંડોનું પાલન કરી આ કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાં જરૂરી હોય ત્યાં વીજ વિભાગ સાથે સંકલન કરી સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવે છે.
પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનએ નાગરિકોને પણ અપીલ કરી છે કે શહેરમાં કોઈ વિસ્તારમાં વૃક્ષોની ડાળીઓ જાહેર માર્ગ ઉપર જોખમરૂપ જણાતી હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરવી જેથી સમયસર યોગ્ય કાર્યવાહી કરી શકાય. શહેરમાં ચોમાસા પૂર્વે જાહેર સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાઓ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પૂર્વ તૈયારીઓની કામગીરી સતત કરવામાં આવી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *