ધ ગ્રેટ વર્લ્ડ, ગાંધીનગર
ગુજરાત પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને ગુનાખોરી સામે કડક વલણ અપનાવવાના ભાગરૂપે એક મોટી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ચર્ચાસ્પદ પોક્સો (POCSO) કેસના ફરિયાદીની સરાજાહેર હત્યાના મામલામાં આરોપીને પકડવામાં અને પીડિત પરિવારને સુરક્ષા આપવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસના આધારે, આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય દ્વારા કડક વલણ અપનાવીને ફરજ પ્રત્યે બેદરકાર રહેલા ૨ પોલીસ ઇન્સ્પેક્ટર (PI), ૧ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને ૧ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) ને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ આકરા પગલાના કારણે સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ગુનાહિત કેસોની તપાસમાં કોઈપણ સ્તરે શિથિલતા કે બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં અને જો કોઈ કર્મચારી કસૂરવાર જણાશે તો તેની સામે આનાથી પણ વધુ કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે
