જામ ખંભાળિયા, તા. ૨૫-૦૪-૨૦૨૬
યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલા આવળ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ચોરીની આ ઘટના સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામી છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર બેટ દ્વારકા યાત્રાધામમાં આવેલા આવળ માતાજીનું મંદિરે તસ્કરો દ્વારા ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ ગઈ હોય, આ કુટેજમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે નજરે પડે છે. આ મામલે મંદિર વહીવટી તંત્ર દ્વારા બેટ પોલીસ ચોકીમાં વિધિવત ફરીયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી આ ચોરીમાં સ્થાનીક શખ્સની સંડોવણી હોવાની પ્રબળ શક્યતા જણાઈ રહી હોય, અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ તેજ કરી છે.
શ્રધ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આવળ માતાજીના મંદિરે થયેલ ચોરી અંગે શ્રધ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જ્યારે મંદિરોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
