જામ ખંભાળિયા, તા. ૨૩: ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના 35 વર્ષના યુવાન ગત તા. 18 ના રોજ જી.જે. 10 યુ. 8858 નંબરના છકડો રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે ભાણવડથી આશરે 6 કિલોમીટર દૂર ભેનકવડ વિસ્તારમાં પહોંચતા આ છકડા રિક્ષાના ચાલક વિજય રાજુભાઈ પરમારએ પોતાનો છકડા રીક્ષા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવી, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા આ રીક્ષા વડના એક ઝાડ સાથે ટકરાયો હતો. જેના કારણે રાજુભાઈ સોલંકીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મિથુનભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ. 26, રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે રીક્ષા ચાલક વિજય રાજુભાઈ પરમાર સામે બી.એન.એસ. તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એલ.એમ. પુરોહિત દ્વારા હાથ ધરવામાં આવી છે.
