બંને બેઠકો પર ક્રોસ વોટિંગની પ્રબળ શક્યતા: નવારતનપર તાલુકા બેઠક પર ઉમેદવારની નિષ્ક્રિયતા અને નબળા જનસંપર્કને કારણે કોંગ્રેસના ગઢમાં ગાબડું
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને હાથબ જિલ્લા પંચાયત અને નવારતનપર તાલુકા પંચાયત બેઠક પરના સમીકરણોમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. શરૂઆતમાં જ્યાં કોંગ્રેસનો પક્ષ મજબૂત જણાતો હતો, ત્યાં હવે મતદારોનો ઝુકાવ બદલાતા ‘ક્રોસ વોટિંગ’ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
નવારતનપરમાં કોંગ્રેસની લોકપ્રિયતામાં ઓટ: ‘મૂરતિયા વગરની જાન’ જેવો ઘાટ
નવારતનપર તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે રામપરના વતની એવા સરવૈયાને મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ઉમેદવાર હજુ સુધી પ્રચારના મેદાનમાં ક્યાંય સક્રિય દેખાયા નથી. સ્થાનિક મતદારોમાં ચર્ચા છે કે તેમને કોઈ ઓળખતું પણ નથી. લોકો આ ઉમેદવારને માત્ર ‘ફલાણાભાઈ’ તરીકે જ સંબોધે છે, કારણ કે તેમનું નામ પણ હજુ સુધી જનતાના મુખે ચડ્યું નથી.
શરૂઆતમાં મતદારોને આશા હતી કે નવા ઉમેદવાર તરીકે સરવૈયા લોકોની વચ્ચે આવશે, પોતાની કાર્યપદ્ધતિ અને ભવિષ્યના આયોજનો વિશે જણાવશે. પરંતુ પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ઉમેદવાર પોતે ગેરહાજર છે અને તેમના વતી અન્ય લોકો પ્રચાર કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને રાજકીય સમીક્ષકો તેને ‘મૂરતિયા વગરની જાન’ સાથે સરખાવી રહ્યા છે. મતદારો પ્રચારકોના દબાણવશ કે મોઢા પર હા પાડે છે, પરંતુ વાસ્તવમાં મતપેટીમાં તેમનો મત કોંગ્રેસને જશે કે કેમ તે અંગે શંકા છે. છેલ્લા પાંચ દિવસમાં ઉમેદવારના અત્યંત નબળા પરફોર્મન્સે કોંગ્રેસ માટે હારનો પાયો નાખ્યો હોય તેમ જણાય છે.
ભાજપના જગદીશ બારૈયાની બેધારી તાકાત
બીજી તરફ, નવારતનપર બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાની સ્થિતિ દિનપ્રતિદિન મજબૂત બની રહી છે. તેમની સૌથી મોટી તાકાત તેમની સ્વચ્છ પ્રતિભા છે. તેમના નામે કોઈ મોટા કૌભાંડો નથી અને તેમનો મૃદુ સ્વભાવ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સ્થાનિક લોકોના મતે, જગદીશ બારૈયા સાથે સંબંધ ન હોય તેવો વ્યક્તિ પણ જો કામ લઈને જાય, તો તે પૂર્ણ કરવા માટે તેઓ તત્પર રહે છે.
આ સંજોગોમાં જગદીશ બારૈયાને કોઈ આક્રમક પ્રચારની જરૂર પણ જણાતી નથી, કારણ કે તેમના ભૂતકાળના કાર્યો જ તેમની તરફેણમાં બોલી રહ્યા છે. તેની સરખામણીએ કોંગ્રેસના ઉમેદવાર પાસે જનતાને બતાવવા માટે કોઈ ઠોસ કામનું લિસ્ટ નથી. વળી, નવારતનપરના મતદારોમાં એક જ સવાલ ગુંજી રહ્યો છે કે, “કામ પડશે ત્યારે ગોતવા કોને જઈશું?” કોંગ્રેસના ઉમેદવારનું ઠેકાણું ન હોવાથી લોકો હવે ભાજપ તરફ વળ્યા છે. જગદીશ બારૈયાને વડાપ્રધાન મોદીના ચાહકોના મતોની સાથે સાથે પુરુષોત્તમ સોલંકી જેવા દિગ્ગજ નેતાઓ સાથેના જૂના સબંધોનો પણ સીધો લાભ મળતો દેખાઈ રહ્યો છે.
લુખ્ખા તત્ત્વોનો સાથ કોંગ્રેસને ભારે પડશે
નવારતનપરમાં કોંગ્રેસની પડતી પાછળ બીજું એક મહત્વનું કારણ છે ‘નકારાત્મક સંગાથ’. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા રતનપર ગામમાં દાદાગીરી અને નકારાત્મક છાપ ધરાવતા કેટલાક તત્ત્વો, જેઓ સ્થાનિક સ્તરે ‘દગીરા’ કે ‘ધગીરા’ જેવા ઉપનામોથી ઓળખાય છે, તેઓ કોંગ્રેસના પ્રચારમાં જોડાયા છે. આ લુખ્ખા તત્ત્વોની હાજરીથી સામાન્ય જનતામાં ભય અને રોષનો માહોલ છે. ભલે લોકો આ તત્ત્વોના ડરથી હા પાડતા હોય, પણ આંતરિક રીતે તેઓ કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. આ ઈમેજ ડેમેજ કોંગ્રેસના ઉમેદવાર સરવૈયાને સીધું નુકસાન પહોંચાડશે.
હાથબ અને નવારતનપર વચ્ચે ક્રોસ વોટિંગનું ગણિત
ચૂંટણી વિશ્લેષકોના મતે આ વખતે ભાવનગરમાં અજીબ ‘ક્રોસ વોટિંગ’ જોવા મળશે.
- હાથબ જિલ્લા પંચાયત: અહીં ભાજપના રઘુ ગોહિલની ભ્રષ્ટાચારી અને નકારાત્મક છાપ સામે લોકોમાં રોષ છે. જેના કારણે કોંગ્રેસના ઉમેદવાર મનિષાબેન અશોકભાઈ ગોહિલનું પલ્લું અત્યંત ભારે દેખાઈ રહ્યું છે. લોકો જિલ્લા સ્તરે કોંગ્રેસને પસંદ કરી રહ્યા છે.
- નવારતનપર તાલુકા પંચાયત: અહીં સ્થિતિ ઉલટી છે. કોંગ્રેસના ઉમેદવારની નિષ્ક્રિયતા અને અસામાજિક તત્ત્વોના સાથને લીધે લોકો ભાજપના જગદીશ બારૈયાને વોટ આપવાનું મન બનાવી ચુક્યા છે.
આમ, એક જ મતદાર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને (મનિષાબેન ગોહિલ) અને તાલુકા પંચાયતમાં ભાજપને (જગદીશ બારૈયા) વોટ આપે તેવી શક્યતાઓ પ્રબળ છે. જે બેઠક પર ભાજપની હાર નિશ્ચિત મનાતી હતી, ત્યાં ઉમેદવારની પસંદગી અને છેલ્લા ચાર દિવસના ઘટનાક્રમે કમળ ખીલવાની આશા જન્માવી છે. હવે જોવાનું એ રહેશે કે મતદાનના દિવસે આ જનજુવાળ પેટીમાં કેવા પરિણામો લાવે છે.
