ધ ગ્રેટ વર્લ્ડ, વોશિંગ્ટન
મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ગુરુવારે વહેલી સવારે અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોને જણાવ્યું હતું કે પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધારાના નૌકાદળ અને surveillance aircraft તૈનાત કરવામાં આવ્યા છે. આ નિર્ણય ઈરાન તરફથી તાજેતરમાં આપવામાં આવેલા ચેતવણીભર્યા નિવેદનો બાદ લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.
અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન આગામી અઠવાડિયે ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે ceasefire મુદ્દે ત્રીજા તબક્કાની ચર્ચા યોજશે. બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકા ઉપર “દ્વિધારી નીતિ” અપનાવવાનો આરોપ મૂક્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમની અસર વૈશ્વિક બજારો ઉપર પણ જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ગુરુવારે સવારે લગભગ ત્રણ ટકા વધારો નોંધાયો હતો. યુનાઈટેડ નેશન્સના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે તમામ પક્ષોને શાંતિપૂર્ણ ઉકેલ માટે ચર્ચા ચાલુ રાખવાની અપીલ કરી છે.
સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જો આ તણાવ વધુ વધશે તો વૈશ્વિક વેપાર માર્ગો અને તેલ સપ્લાય ઉપર સીધી અસર થઈ શકે છે. અનેક આંતરરાષ્ટ્રીય એરલાઈન્સે મધ્ય પૂર્વના કેટલાક હવાઈ માર્ગોની સુરક્ષા સમીક્ષા શરૂ કરી છે.
