ઘોઘા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૧૪ બોટલ દારૂ સાથે શખ્સની ધરપકડ કરી
ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસે માલપર ગામના ખારસાના મેદાન પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઘોઘા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ રણછોડભાઈ ગલસરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ હિંમતભાઈ મકવાણા અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ બી. એલ. ગોહીલ સહિતના સ્ટાફને માલપર ગામ પાસે પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલો એક ઇસમ મળી આવ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શક્તિસિંહ વિજયસિંહ ગોહિલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂના કુલ ૧૪ ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ૫૧૦૦ રૂપિયા થાય છે. આ દારૂના જથ્થા અંગે પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. પંચોની રૂબરૂમાં પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે આ વિદેશી દારૂનો જથ્થો તેના મિત્ર વિશાલભાઈ ભરતભાઈ પંડ્યા પાસેથી લાવ્યો હતો. આથી પોલીસે દારૂ પુરો પાડનાર સપ્લાયર વિશાલભાઈ ભરતભાઈ પંડ્યાને પણ ગુનામાં મદદગારી કરવા બદલ આરોપી તરીકે દર્શાવ્યો છે. ઘોઘા પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહ લાલુભા ગોહિલને કેસની આગળની તપાસ સોંપી છે.
