રાણાવાવ કોર્ટે આરોપી દિનેશ કુછડીયાને ત્રણ વર્ષની સખત કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ
રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામમાં ગુરુકૃપા હોટલની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ભંગારની ફેરી કરતા એક વ્યક્તિ પર ચોરીની શંકા રાખીને લાકડી વડે આડેધડ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત મુજબ રાણા કંડોરણા ગામના પૂંજાપરા ધાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રેપન વર્ષીય જેન્તીભાઇ સીદીભાઇ મકવાણા ભંગારની ફેરી કરવા માટે રાણાવડવાળા ગામમાં ગયા હતા. તે દરમિયાન તેઓ આરોપી દિનેશ રામજીભાઇ કુછડીયાની વાડીએ ભંગાર લેવા માટે જઈને રસ્તા પર ઉભા હતા ત્યારે આરોપી હાથમાં લાકડી લઈને ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ ફરિયાદીને પૂછ્યા વગર ખેતરમાંથી લોખંડનો ઘણ કેમ લઈ ગયેલ છે તેમ કહી ચોરીની શંકા કરી હતી. જેન્તીભાઇ સીદીભાઇ મકવાણાએ પોતે ઘણ લીધો નથી અને ક્યારેય કોઈની વાડીમાંથી કોઈ વસ્તુ ચોરી નથી તેમ કહેતા જ આરોપી દિનેશ રામજીભાઇ કુછડીયા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડીને લાકડીથી આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં ફરિયાદીને માથાના ભાગે ત્રણ ટાંકા આવે તેવી ઇજા, ડાબા હાથના પોચામાં ફેક્ચર જેવી ગંભીર ઇજા તેમજ શરીરે મૂઢ ઇજાઓ થઈ હતી અને આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ચકચારી બનાવ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ નામદાર રાણાવાવ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષ તરફથી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર જે એલ ઓડેદરાએ ગુન્હાની ગંભીરતાને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. તેમણે ફરિયાદી પક્ષ તરફથી ઉપલબ્ધ તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ ટાંકીને આરોપી સામેનો કેસ નિઃશંકપણે પુરવાર થાય તેવી ધારદાર દલીલો કરી હતી. નામદાર રાણાવાવ કોર્ટના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એન એલ શર્માએ સરકાર પક્ષની આ દલીલો અને પુરાવાઓને માન્ય રાખ્યા હતા અને આરોપી દિનેશ રામજીભાઇ કુછડીયાને તકસીરવાન ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા એક હજાર રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
