ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ-ભાણવડ સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં હાઈવા ટ્રકના ચાલકની બેદરકારીએ એક વ્યક્તિનો ભોગ લીધો છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ, રાણાવાવના સાજણાવારા નેશમાં રહેતા કરશનભાઈ પાલાભાઈ રાડાએ ફરિયાદ નોંધાવી છે કે તેમના પિતા પાલાભાઈ રૈયાભાઈ રાડા પોતાની મોટરસાયકલ લઈને અણીયારી ગામે નોકરી પરથી પરત ઘરે જમવા આવી રહ્યા હતા. આ દરમિયાન સાજણાવારા નેશના પાટિયા પાસે પાછળથી પુરઝડપે આવી રહેલા એક અશોક લેલન હાઈવા ટ્રકના ચાલકે તેમને જોરદાર હડફેટે લીધા હતા.
ટ્રક ચાલકે પોતાનું વાહન માનવ જિંદગી જોખમાય તેવી રીતે અને બેફીકરાઈથી ચલાવીને પાલાભાઈની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પાલાભાઈને છાતીના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ હાઈવા નંબર GJ 18 BV 9022 નો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. રાણાવાવ પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ હેઠળ ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
