જૂનાગઢ રેન્જ અને પોરબંદર પોલીસની સરાહનીય કામગીરી: પાસા વૉરંટ ઇશ્યુ કરી કુખ્યાત શખ્સોને જેલ હવાલે કરાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરનાર અને માથાભારે ઇસમો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અન્વયે સામાવાળાની અટકાયત કરી અમદાવાદ તથા સુરત જેલ ખાતે ધકેલવાની પોરબંદર જિલ્લા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લામાંથી અસામાજિક તત્વો વિરુદ્ધ અને ગેરકાયદેસર દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ સામે પાસા હેઠળ અટકાયતી પગલા લેવાની સખત સૂચનાઓ આપવામાં આવી હતી.
આ માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયેલા અને સક્રિયપણે હેરાફેરી કરતા આરોપી દેસુર દેવાભાઈ કોડીયાતર, જે વિજરાણા ગામ, તાલુકો પોરબંદર ખાતે રહે છે, તેની સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત મંજૂર કરાવી પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે. આ ઉપરાંત મિંયાણી-મરીન અને બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના બુલેટિન ગુનાઓમાં સંડોવાયેલ બીજા આરોપી પરબતભાઈ રામભાઈ મોઢવાડિયા, જે કાંટેલા ગામ, શ્રીનગર ચોકીની બાજુમાં, તાલુકો પોરબંદર ખાતે રહે છે, તેની વિરુદ્ધ પણ કડક પાસા દરખાસ્ત તૈયાર કરી સુરત જેલ ખાતે અટકાયતમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં મિંયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વા.જી.માથુકીયા તથા પોરબંદર એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કાંબરીયા, ઉદયભાઈ વરૂ, રૂપલબેન લખધીર, વિપુલભાઈ ઝાલા, હીમાંશુંભાઈ મક્કા, કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા તથા મિંયાણી મરીન અને બગવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કારાભાઈ મોકરીયા, સજનસિંહ જેઠવા, એ.એસ.આઈ. અમૃતભાઈ રાઠોડ, વિજયભાઈ રાણાવાયા, પો.હેડ કવા., શૈલેષસિંહ રાજપુત અને ટ્રાફિક પો.હેડ કોન્સ્ટેબલ તુષારભાઈ લશ્કરીઆ સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
