Headlines

વડાપ્રધાનના કાર્યક્રમો સંદર્ભે સોમનાથ સાગરદર્શન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


જીતુ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા

ધ ગ્રેટ વર્લ્ડ, સોમનાથ

આસ્થા અને અસ્મિતાના પ્રતીક સમા શ્રદ્ધાના કેન્દ્ર એવા દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રમણો થવા છતાં આસ્થા અને અસ્મિતાને ડગાવી શક્યા નથી અને તે અડીખમ અને અવિચલ રહ્યું છે.

આવતા ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે પધારવાના છે. તેના ઉપલક્ષમાં કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સોમનાથ સાગરદર્શન ખાતે આવેલા મિટિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ અવસરે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય અનિરૂદ્ધ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીતુ વાઘાણીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલા કર્યા છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રદ્ધા અને વધુ ભવ્યતા સાથે અડીખમ ઉભું છે.

મંદિરના પુનર્નિર્માણના ૭૫ વર્ષના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં તેમના આગમનને લઈને ઉત્સુકતા અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

તેમણે જણાવ્યું કે સરકારના શાસનમાં વિશ્વાસ દર્શાવતાં દેશના ત્રણ રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મેળવેલી ઐતિહાસિક જીત ભારતની આઝાદી બાદની બીજી આઝાદી સમાન છે. વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોને લોકોએ આ જીત દ્વારા સ્વીકૃતિ આપી છે.

સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે સરદાર પટેલે સોમનાથની મુલાકાત કરી ત્યારે મંદિરનાં જીર્ણશીર્ણ અવશેષો જોઈ તેઓ દ્રવિત થઈ ઉઠ્યા હતા. સમુદ્ર જળ હાથમાં લઈ તેમણે સોમનાથના પુનર્નિર્માણ માટે સંકલ્પ કર્યો હતો. ત્યારબાદ ૧૧ મે ૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. આ પ્રસંગને ૧૧ મેના રોજ ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

વડાપ્રધાનના સ્વાગત માટે સોમનાથમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી ૧૧ મેના રોજ જામનગરથી સવારે સોમનાથ પધારશે. અહીં હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શો યોજાશે અને જનતાનું અભિવાદન સ્વીકારશે. માર્ગમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે.

ત્રિવેણી હેલિપેડથી વીર હમિરજી ગોહિલની પ્રતિમા સુધી અંદાજે એક કિલોમીટરનો રોડ શો યોજાશે. તેમાં ૧૨ જ્યોતિર્લિંગના બેકડ્રોપ સહિત વિવિધ રાજ્યોની સંસ્કૃતિને રજૂ કરતાં નૃત્યો પણ દર્શાવવામાં આવશે.

મંદિર પરિસરમાં ઋષિકુમારો અને આહિર બહેનો પરંપરાગત પહેરવેશમાં વડાપ્રધાનનું સ્વાગત કરશે. બંગાળી પરિવારો પણ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહેશે. મંદિરમાં કુંભાભિષેક, ધ્વજપૂજા અને મહાપૂજાના કાર્યક્રમો યોજાશે. આ દરમિયાન સૂર્યકિરણ વિમાનોનો એર-શો અને મંદિર પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવશે.

મંદિર પરિસરના કાર્યક્રમો બાદ વડાપ્રધાન સદભાવના મેદાન ખાતે જનસભાને સંબોધિત કરશે.

આ રીતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં આસ્થા અને અસ્મિતાના દિવ્ય ૭૫ વર્ષ નિમિત્તે ‘સોમનાથ અમૃત પર્વ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સોમનાથ મંદિર પરિસરમાં અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે સોમનાથ આસ્થા અને રાષ્ટ્રીય આત્મગૌરવનું જીવંત પ્રતિક બનીને ઊભું છે. ‘સોમનાથ અમૃત પર્વ’ની ઉજવણીથી શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક અનુભવ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

સોમનાથના કાર્યક્રમ બાદ વડાપ્રધાન વડોદરા જઈ સરદાર ધામ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *