ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ
હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આગામી ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. રાજકોટ, જામનગર અને અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે. આ આગાહીને પગલે ખાસ કરીને ખેતીકામ સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં રહેલા માલસામાનને સુરક્ષિત રાખવા માટે વેપારીઓ અને ખેડૂતોને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ગરમીથી પરેશાન લોકો માટે આ વરસાદ થોડી રાહત લાવી શકે છે, પરંતુ ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
