– રેડક્રોસ સંસ્થા દ્વારા નવી મહાજન વાડીમાં આયોજન –
જામ ખંભાળિયા, તા. ૦૪-૧૧-૨૦૨૫
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આગામી રવિવાર તા. 9 ના રોજ દાતા પરિવારના સહયોગથી વિનામૂલ્યે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા દવા વિતરણ અને રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયામાં બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે રવિવાર તા. 9 નવેમ્બરના રોજ સવારે 9:30 થી 12:30 સુધી યોજવામાં આવેલા આ વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા તબીબ ડો. રાજેશભાઈ ઠક્કર, ડો. શિલ્પાબેન ઠક્કર, ડો. ધ્વનિબેન બરછા, ડો. અમિતભાઈ નકુમ, ડો. શિવમભાઈ બરછા, ડો. સુનિલભાઈ ઠક્કર, ડો. નીરવભાઈ રાયમગીયા, ડો. કાલિન્દ ભાયાણી, ડો. પિયુષ કણજારીયા, ડો. એચ.એન. પડિયા, ડો. કલ્પેશ કુંડલીયા, ડો. ઉત્સવ પડિયા અને ડો. વ્યોમભાઈ ચૌહાણ સહિતના નિષ્ણાત તબીબો વિવિધ પ્રકારના રોગોનું નિદાન કરી, જરૂરી સારવાર આપશે. આ સ્થળે દર્દીઓને વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવશે.
આ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરેક રક્તદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ તથા સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવશે. આ સમગ્ર કેમ્પનું આયોજન દાતા સ્વ. નાથાલાલ ગોરધનદાસ ઠક્કર (દતાણી) પરિવાર મુંબઈથી તથા વી.યુ.બી. ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેકટર આર.એમ. તન્ના, રેડક્રોસ સંસ્થાના સૌરાષ્ટ્ર ઝોનલ કો-ઓર્ડીનેટર દીપકભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી ખાસ ઉપસ્થિત રહેશે.
આ મેગા સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનો લાભ લેવા અને રક્તદાતાઓને રક્તદાન કરવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
