જામ ખંભાળિયા, તા. ૨૯-૧૨-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે ગઈકાલે રવિવારે એક મંદિરે સ્તંભ ઉત્સવમાં ગયેલા જુદા જુદા પાંચ મહિલાઓના રૂ. 4.65 લાખ જેટલી કિંમતના આશરે 8 તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાથી આશરે 15 કિલોમીટર દૂર મોવાણ ગામના પાટીયા પાસે આવેલા વિઠ્ઠલેશ્વર મહાદેવના મંદિર ખાતે ગઈકાલે રવિવારે સવારના સમયે યોજવામાં આવેલા રામદેવપીર મહારાજના સ્તંભ ઉત્સવમાં મહિલાઓ સહિત અનેક શ્રદ્ધાળુઓ ગયા હતા. જેમાં કેટલાક મહિલાઓએ પહેરેલા તેમના જુદા જુદા સોનાના દાગીના કોઈ ગઠિયો સેરવીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે. જેમાં હિમીબેન નાથાભાઈ દેથરીયા (રહે. હંસ્થળ) એ પહેરેલી રૂપિયા 1.80 લાખની કિંમતની સોનાની કંઠી અન્ય એક મહિલા ભાવનાબેન મહેશભાઈ ધોકિયા (રહે. ભૂંગા – ઓખા)નો રૂપિયા 1.05 લાખની કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેન, રાધાબેન ભીખાભાઈ ડાંગર (રહે. રાજકોટ)ની રૂ. 75 હજારની કિંમતની 1.25 તોલાની સોનાની માળા, પુરીબેન વજુભાઈ ગોજીયા (રહે. જામનગર) એ પહેરેલી રૂપિયા 75 હજારની કિંમતની સોનાની માળા તેમજ પાર્વતીબેન જમનાદાસ દુધરેજીયા (રહે. આશાપુરા ચોક – ખંભાળિયા)નો આશરે રૂ. 30 હજારની કિંમતનો સોનાનો ચેન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઈ ગયો હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કુલ રૂપિયા 4,65,000 ની કિંમતના આશરે પોણા આઠ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી થવા થવા સબબ હંસ્થળ ગામના પાલાભાઈ નાથાભાઈ દેથરીયા (ઉ.વ. 48) દ્વારા અજાણ્યા શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા તેમની ટીમ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
