જામ ખંભાળિયા, તા. ૧૯-૦૧-૨૦૨૬
ખંભાળિયાના વૃદ્ધને હૃદયરોગનો જીવલેણ હુમલો
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી આંબાવાડી ખાતે રહેતા નાનજીભાઈ પ્રેમજીભાઈ કણજારીયા નામના સતવારા વૃદ્ધને ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ જતીનભાઈ નાનજીભાઈ કણજારીયાએ અહીંની પોલીસને કરી છે.
_____________________________________________________________________________
ખંભાળિયામાં જુગાર રમતા સાત મહિલાઓ ઝડપાયા
– ભરાણા ગામેથી જુગાર રમતા પાંચ ઝબ્બે: બે ફરાર –
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતી સોનુબેન ભીમાભાઈ કારીયા નામના 35 વર્ષના મહિલા દ્વારા પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાડાતા જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો.
આ સ્થળેથી પોલીસે સોનુબેન ભીમા કારીયા, વાલીબેન ભીમા લુણા, ગીતાબેન કાંતિ ડાંગર, ગીતાબેન રમેશ સોઢા, ગીતાબેન જેઠુભા વાઘેલા, મુમતાઝબેન મામદ સંધી અને ગીતાબેન શાંતિલાલ ઉનડકટ નામના સાત મહિલાઓને ઝડપી લઇ, કુલ રૂ. 24,150 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ 4-5 હેઠળ ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા વિરેન્દ્રસિંહ દિગુભા જાડેજા, સુરેન્દ્રસિંહ બાલુભા ચૌહાણ, મહેશ પ્રતાપભાઈ જોશી, મહેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને અકબર હુસેન ચમડીયા નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ, રૂ. 12,650 ની રોકડ રકમ કબજે કરી હતી.
આ દરોડા દરમિયાન ભરાણા ગામનો તાલબ ઓસમાણ ચમડીયા અને ઈકબાલ હસન બેલાઈ નામના બે શખ્સો નાસી છૂટ્યા હોવાનું જાહેર થયું છે. જે અંગે વાડીનાર મરીન પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
_____________________________________________________________________________
ઓખા, સલાયામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા ઈકબાલ ઓસમાન સુંભણીયા નામના માછીમાર યુવાને પોતાની બોટમાં દિશા જાણી શકાય તે માટેનું હોકાયંત્ર ન રાખવા સબબ સલાયા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.
ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામના હાજી ગજણ, ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા ઇમરાન સતાર બંદરી તેમજ આરંભડા વિસ્તારમાં રહેતા સબીર કરીમ સંઘાર નામના ત્રણ માછીમારો સામે વિવિધ મુદ્દે ઓખા મરીન પોલીસે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
_____________________________________________________________________________
(કુંજન રાડિયા)
