ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે આશરે 8:30 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ભીષણ આગ સીતારામ હોસ્પિટલ અને તેની પાસે આવેલી હસ્તી મેડિકલ એજન્સીમાં લાગતા દોડધામ મચી ગઈ હતી. હોસ્પિટલ જેવો સંવેદનશીલ વિસ્તાર હોવાથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ચારેબાજુ દેકારા-પડકારા સાથે અફડાતફડી મચી હતી.
ઘટનાની જાણ થતા જ ભાવનગર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાત્રે અંદાજે 10:15 વાગ્યા સુધીમાં સ્થિતિ થાળે પડતા ફાયરનો કાફલો પરત ફર્યો હતો. સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ કે થયેલ આર્થિક નુકસાની અંગે હજુ વધુ વિગતો જાણી શકાઈ નથી.
