રોટરી ક્લબ અને જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા ૩૫ કરોડ લીટર જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું લક્ષ્ય, રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે શુભારંભ
ધ ગ્રેટ વર્લ્ડ, જામનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળસંચયના આહ્વાનને ઝીલીને જામનગર જિલ્લામાં જળસ્તર ઊંચા લાવવા માટે એક ભગીરથ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રાવલસર ગ્રામ પંચાયત ખાતે આગામી ૫ માર્ચ ૨૦૨૬ના રોજ રોટરી કોમ્યુનિટી એન્ડ મેડી. રીસર્ચ સેન્ટર (રોટરી ક્લબ ઓફ જામનગર) તથા BJS – જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા જિલ્લાના અનેક તળાવોને સ્વભંડોળથી પુનઃ જીવિત કરવાના કાર્યનો શુભારંભ કરવામાં આવશે.
ભૂતકાળની સફળતાથી પ્રેરિત અભિયાન
જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન જામનગર જિલ્લાના તળાવો ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી, જેના પરિણામે ૧૮ કરોડ લીટરથી વધુ વર્ષા જળનો સંગ્રહ થયો હતો. આ અભૂતપૂર્વ સફળતા અને હકારાત્મક પરિણામોથી પ્રેરાઈને આ વર્ષે રોટરી ક્લબ જામનગર સાથે મળીને જિલ્લાના ૨૮થી વધુ ગામોના તળાવો ઊંડા ઉતારવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ૩૫ કરોડ લીટરથી વધુ વર્ષા જળ સંગ્રહ ક્ષમતા વધારવાનો છે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે મંગલ પ્રારંભ
રાવલસર ગામે યોજાનાર આ જળસંચય કાર્યક્રમમાં આશીર્વચન આપવા માટે જામનગર સ્વામિનારાયણ મંદિરના પ.પૂ. શ્રી ચત્રભૂજદાસજી સ્વામી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહીને આ સેવાકાર્યને ખૂલ્લું મુકશે.
આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાલસિંહ રાણા અને માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાવલસર ગ્રામ પંચાયતના સરપંચ અને જામનગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી રાયાભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત:
- તારીખ: ૫-૦૩-૨૦૨૬ (ગુરુવાર)
- સમય: સવારે ૯:૩૦ કલાકે
- સ્થળ: રાવલસર ગામ
જીવમાત્ર માટે અત્યંત ઉપયોગી એવા આ જળસંચયના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા નિમંત્રક રાયાભાઈ ગઢવી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
