Headlines

ભાવનગરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો કલેક્ટર મનીષ બંસલનો નિર્દેશ

વિપુલ હિરાણી 

ભાવનગર તા.૧૮

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. માર્ગ અકસ્માતોને અટકાવવા માટે ખાસ કરીને રોગ સાઈડમાં વાહન ચલાવનાર વાહનચાલકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચના આપી હતી.

આ ઉપરાંત, જિલ્લામાં જ્યાં માર્ગ અકસ્માતોમાં ફેટલ ડેથ નોંધાયાં છે તેવા સ્થળોની સંયુક્ત મુલાકાત લઈ અકસ્માતોના મૂળ કારણોનું વિશ્લેષણ કરી અસરકારક નિવારક પગલાં અમલમાં મુકવા માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલી રજૂઆતોની સમીક્ષા કરી જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આર.ટી.ઓ. અધિકારીશ્રીએ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરી, માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર  એન.ડી. ગોવાણી તેમજ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *