Headlines

પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો: લેબનોનમાં મૃત્યુઆંક 2000ને પાર અને હોર્મુઝ સ્ટેટમાં અમેરિકી યુદ્ધ જહાજોની એન્ટ્રી

નેતન્યાહુની ઈરાન સામે લડાઈ ચાલુ રાખવાની જાહેરાત વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયાની મદદ માટે ફાઈટર જેટ્સ રવાના કર્યા

તેલ અવીલ, 12 એપ્રિલ

​ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં એક અત્યંત આક્રમક નિવેદન આપતા જણાવ્યું છે કે ઈઝરાયેલ ઈરાન અને તેના સહયોગી જૂથો વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહી કોઈપણ સંજોગોમાં ચાલુ રાખશે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની સરકાર ઈરાનના આતંકી નેટવર્ક અને તેના પ્રોક્સી જૂથો વિરુદ્ધની લડાઈમાં પીછેહઠ કરશે નહીં, સાથે જ તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગનની પણ આકરી ટીકા કરી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાનમાં સીઝફાયર લાગુ હોવાની ચર્ચા છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ નેતન્યાહુના આ કડક વલણથી સમગ્ર વિસ્તારમાં તણાવમાં ધરખમ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

​બીજી તરફ લેબનોનમાં માનવીય કટોકટી વધુ ઘેરી બની છે અને લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધમાં મરનારાઓની સંખ્યા વધીને ૨૦૨૦ થઈ ગઈ છે. છેલ્લા છ અઠવાડિયામાં માર્યા ગયેલા લોકોમાં ૨૪૮ મહિલાઓ, ૧૬૫ બાળકો અને ૮૫ સ્વાસ્થ્યકર્મીઓનો સમાવેશ થાય છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે માત્ર છેલ્લા ૨૪ કલાકમાં અંદાજે ૧૦૦ લોકોના મોત થયા છે અને અત્યાર સુધીમાં કુલ ૬૪૩૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સંઘર્ષ ગત માર્ચ મહિનાથી વધુ તીવ્ર બન્યો છે જ્યારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે ઈરાન પરના હુમલાના જવાબમાં ઈઝરાયેલ પર મિસાઈલો છોડી હતી. હાલમાં અમેરિકા અને ઈઝરાયેલનું માનવું છે કે ઈરાન સાથે થયેલી યુદ્ધવિરામની સમજૂતી લેબનોન પર લાગુ થતી નથી, જેના કારણે ત્યાં હુમલા સતત ચાલુ છે.

​દરિયાઈ મોરચે પણ સ્થિતિ ગંભીર બની રહી છે કારણ કે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ સપ્લાય રૂટ ગણાતા હોર્મુઝ સ્ટેટમાંથી અમેરિકી નૌસેનાના બે યુદ્ધ જહાજો પસાર થયા છે. યુદ્ધની શરૂઆત થયા પછી આ પ્રથમ ઘટના છે જ્યારે અમેરિકી નેવલ ડિસ્ટ્રોયર આ માર્ગ પર દેખાયા હોય, જેનો હેતુ દરિયાઈ માઈન્સ હટાવી રસ્તો સુરક્ષિત કરવાનો હોવાનું જણાવાયું છે. જોકે ઈરાનના સરકારી મીડિયાએ અલગ દાવો કરતા કહ્યું છે કે તેમણે એક અમેરિકી સૈન્ય જહાજને ચેતવણી આપી પરત ફરવા મજબૂર કર્યું હતું. આ વિરોધાભાસી દાવાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી છે. આ દરમિયાન પાકિસ્તાને પણ સાઉદી અરેબિયાની મદદ માટે પોતાના ફાઈટર જેટ્સ અને સૈન્ય દળો મોકલીને આ પ્રાદેશિક સંઘર્ષમાં નવો વળાંક લાવી દીધો છે, જેની અસર આગામી દિવસોમાં વૈશ્વિક રાજકારણ પર જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *