જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશાળ દરિયામાં અવારનવાર વિવિધ મુદ્દે ફિશીંગ બોટના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે મહત્વની કાર્યવાહી કરી અને પ્રથમ વખત એક સાથે 55 બોટ દ્વારા કરવામાં આવી રહેલી લાઈન ફિશીંગ ઉપર કડક હાથે કાર્યવાહી કરી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ભારત દેશમાં લાઈન ફિશીંગ અને લાઈટ ફિશીંગ કરવા સામે પ્રતિબંધ છે. ત્યારે દ્વારકા નજીક આવેલા ઓખામઢી વિસ્તારમાં જિલ્લા એસ.ઓ.જી. પી.એસ.આઈ. ડી.એ વાળા તેમજ તેમની ટીમ દ્વારા સરકારી વાહનમાં દરિયાઈ સુરક્ષાને અનુલક્ષીને કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ એમ. જાડેજા અને કિશોરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે મધદરિયે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા નજીકના ઓખામઢીથી આશરે 8 નોટિકલ દૂર અલગ અલગ ચાર ગ્રુપમાં માછીમારી બોટો જોડાઈને લાઈન ફિશીંગ કરતી કુલ 55 માછીમારી બોટ સામે ધોરણસર કાર્યવાહીમાં એક ગ્રુપમાંથી 13 થી 15 લોકો સાથે દરિયામાં વિશાળ માછીમારી ઝાળ પાથરીને ફિશીંગ થતી હોવાનું જાહેર થયું હતું.
ઝડપાયેલી માછીમારી બોટના ટંડેલોને પોલીસ દ્વારા પૂછપરછ કરાતા વધુ પ્રમાણમાં માછલીઓ મળી રહે તે હેતુથી બોટ માલિક દ્વારા અવારનવાર આ અંગેની સૂચનાઓ આપવામાં આવતી હતી અને આ પ્રવૃત્તિમાં વધુ માછલીઓ પકડી પાડવા તેઓ દ્વારા લાઈન ફિશીંગ કરવામાં આવતી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં આ પ્રકારે લાઈન ફિશીંગ કરવા સામે પ્રતિબંધ છે અને મોટી સંખ્યામાં બોટોમાં માછીમારો-ટંડેલો વિશાળ ઝાળની લાઈન ફિશીંગ કરી, ખૂબ મોટી માત્રામાં માછલીઓ મેળવે છે. આ પ્રકરણમાં પોલીસે ઓખા મંડળના જુદા જુદા વિસ્તાર સાથે ઉના, કોડીનાર, ધોરાજી વિગેરે વિસ્તારના બોટ માલિકની બોટો કબજે કરી છે. જ્યારે ફિશિંગ કરતા મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારના ટંડેલો સહિત આશરે 110 જેટલા વ્યક્તિઓ સામે પોલીસે ગુજરાત ફિશરીઝ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણાના વડપણ હેઠળ પી.એસ.આઈ. ડી.એ. વાળા, એ.એસ.આઈ. રાજભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, હરદાસભાઈ મોવર, કિશોરસિંહ જાડેજા, ખેતશીભાઈ મુન, વજાભાઈ લાંબરીયા અને દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
