Headlines

​નવા રતનપર સીટ ઉપર હાર ભાળી ગયેલી કોંગ્રેસ, ડેરી વાળા રાજુ લાઠીયા અને સરપંચ ગૌતમ બારૈયા વિરુદ્ધ પત્રિકા યુદ્ધ ચલાવીને ખોટી વાતો ફેલાવે છે: જગદીશ બારૈયા

સરપંચ ગૌતમ બારૈયા વિરુદ્ધની પત્રિકા

નવા રતનપર સીટ પર ગંદી રાજનીતિનો ખેલ: ભાજપના સમર્થકોને બદનામ કરવા ખેડૂતોમાં ભ્રમ પેદા કરતી પત્રિકાઓ વહેંચાતા રાજકારણ ગરમાયું

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર:

​ભાવનગર જિલ્લામાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ બરાબરનો જામ્યો છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાવનગર તાલુકાની બેઠકો પર રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે બેઠક પર સૌની મીટ મંડાયેલી છે તેવી નવા રતનપર તાલુકા પંચાયત બેઠક પર હવે ચૂંટણી પ્રચારમાં ‘પત્રિકા યુદ્ધ’નો પ્રવેશ થયો છે. નવા રતનપર સીટના ભાજપના ઉમેદવાર જગદીશ બારૈયાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પોતાની હાર નિશ્ચિત ભાળી ગયેલી કોંગ્રેસ હવે પાયાવિહોણા આક્ષેપો અને ગુપ્ત પત્રિકાઓ દ્વારા મતદારોને ગુમરાહ કરી રહી છે. ગઈકાલ સાંજથી આચાર સંહિતા પ્રમાણે જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે તેમ છતાં ગુપ્ત રીતે કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું ગંદુ રાજકારણ ખેલવામાં આવી રહ્યું હોય તેવો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સમર્થકોને બદનામ કરવાનું વ્યવસ્થિત કાવતરું

​જગદીશ બારૈયાએ વિગતો આપતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી નવા રતનપર ગામ અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના અંધકારમાં કેટલીક પત્રિકાઓ વહેંચવામાં આવી રહી છે. ગલીએ ગલીએ ફેંકવામાં આવેલી આ પત્રિકાઓમાં ગામના દૂધ ડેરી સંચાલક રાજુ લાઠીયાને નિશાન બનાવવામાં આવ્યા છે. રાજુ લાઠીયા એ વિસ્તારના જાણીતા અગ્રણી છે અને ભાજપના મજબૂત સમર્થક માનવામાં આવે છે.

​પત્રિકામાં એવો પાયાવિહોણો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ડેરી પર દૂધ ભરાવવા આવતા ખેડૂતોને ફેટમાં અન્યાય કરવામાં આવે છે અને તેમના નાણાં પડાવી લેવામાં આવે છે. આ અંગે સ્પષ્ટતા કરતા જગદીશ બારૈયાએ જણાવ્યું કે, રાજુ લાઠીયા ભાજપ સાથે મજબૂતીથી જોડાયેલા હોવાથી કોંગ્રેસ તેમને આર્થિક રીતે બદનામ કરી રહી છે, જેથી ખેડૂતોમાં તેમના પ્રત્યે રોષ પેદા થાય અને કોંગ્રેસને તેનો રાજકીય ફાયદો મળી શકે. પરંતુ ગામની જનતા વર્ષોથી ડેરીના વહીવટથી પરિચિત છે અને આવા ગંદા પ્રચારમાં આવશે નહીં.

સરપંચના નામે જનતાને ડરાવવાનો પ્રયાસ

​માત્ર ડેરી સંચાલક જ નહીં, પણ કોંગ્રેસના આ પત્રિકા યુદ્ધમાં નવા રતનપરના વર્તમાન સરપંચ ગૌતમ બારૈયાના નામે પણ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પત્રિકાઓમાં એવો પાયાવિહોણો મેસેજ ફરી રહ્યો છે કે સરપંચ ગૌતમ બારૈયા કહી રહ્યા છે કે, “હવે પૂર્વ સરપંચ અને હાલના ઉમેદવાર જગદીશ બારૈયા મારી સાથે છે, એટલે હવે ગામમાં જે લોકોએ વાડાબંધી કરી છે કે ખેતરોના શેઢે દબાણ કર્યું છે, તેમની સામે કડક કાર્યવાહી કરીને હેરાન કરવામાં આવશે.”

​જગદીશ બારૈયાએ આ અંગે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, કોંગ્રેસ જનતાના મનમાં ભય પેદા કરવા માંગે છે. ખેડૂતોને એવું ડરાવવામાં આવી રહ્યું છે કે જો ભાજપ જીતશે તો તમારા દબાણો તોડી નાખવામાં આવશે અને તમને કાયદાકીય રીતે હેરાન કરવામાં આવશે. આ પ્રકારે ડરનું વાતાવરણ ઉભું કરવું એ લોકશાહી માટે ખતરનાક છે. હકીકતમાં સરપંચ કે ભાજપના કોઈ પણ કાર્યકરે આવી કોઈ પત્રિકા બહાર પાડી નથી, આ તદ્દન કોંગ્રેસના ડર્ટી પોલિટિક્સનો એક હિસ્સો છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ પણ કોંગ્રેસ દ્વારા પાછલે બારણે પત્રિકાઓ વહેંચીને જે ગંદુ રાજકારણ ખેલાઈ રહ્યું છે તે તેમની હતાશા દર્શાવે છે.

લોકહિતના કામો વિરુદ્ધ નકારાત્મક પ્રચાર

​પોતાના કાર્યકાળનો ઉલ્લેખ કરતા જગદીશ બારૈયાએ જણાવ્યું કે, મેં પૂર્વ સરપંચ તરીકે ગામમાં અનેક વિકાસલક્ષી કામો કર્યા છે. રસ્તા, પાણી અને અન્ય પાયાની સુવિધાઓ માટે કરેલા કાર્યો જનતાની નજર સામે છે. જ્યારે કોંગ્રેસ પાસે ગણાવવા માટે કોઈ પોઝિટિવ કામ નથી, ત્યારે તેઓ નકારાત્મકતાનો સહારો લઈ રહ્યા છે. પત્રિકાઓ વહેંચવાની આ હરકત જ સાબિત કરે છે કે કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં નૈતિક રીતે હારી ચુકી છે.

​તેમણે વધુમાં ઉમેર્યું કે, “કોંગ્રેસ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ નક્કર મુદ્દા નથી, એટલે તેઓ વ્યક્તિગત ચારિત્ર્ય હનન અને ખોટા પત્રોના આધારે રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ નવા રતનપરની જનતા જાગૃત છે. ગલીઓમાં પત્રિકાઓ ફેંકીને મત મેળવવાની લાલચ કોંગ્રેસને ભારે પડશે.”

ચૂંટણી પંચમાં રજૂઆતની તૈયારી

​આ ઘટનાને પગલે ભાજપના કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જગદીશ બારૈયાએ સંકેત આપ્યો છે કે આ પ્રકારે ગુપ્ત રીતે પત્રિકાઓ વહેંચીને આદર્શ આચારસંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જે અંગે તેઓ આગામી સમયમાં ચૂંટણી પંચમાં પણ લેખિત રજૂઆત કરી શકે છે. ગામના અગ્રણીઓએ પણ આ મામલે તપાસ કરવાની માંગ કરી છે જેથી અફવા ફેલાવનારા તત્વો ખુલ્લા પડી શકે.

​ભાવનગર તાલુકાની નવા રતનપર સીટ પરનો આ જંગ હવે માત્ર વિકાસના મુદ્દે નહીં, પણ પત્રિકા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપના જંગમાં ફેરવાઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે મતદાનના દિવસે જનતા વિકાસના કામોને મત આપે છે કે પછી આ પત્રિકા યુદ્ધની કોઈ અસર જોવા મળે છે. હાલમાં તો જગદીશ બારૈયાના આ ખુલાસા બાદ કોંગ્રેસ બેકફૂટ પર જોવા મળી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *