પહેલી ધારની વાત – નારન બારૈયા
ચૂંટણીનો માહોલ જામ્યો હોય અને એમાંય જો વાત ભાવનગર જિલ્લાની હોય, તો પછી પૂછવું જ શું? ભાવનગર એટલે ગઠિયા, ગાંઠિયા અને હવે તો ‘પક્ષ-પલટા’નો પણ અડ્ડો! અહીં પવનની દિશા બદલાય કે ન બદલાય, પણ નેતાઓના ખેસના રંગ જરૂર બદલાઈ જાય છે. આ ગરમાગરમ માહોલમાં મને એક પ્રશ્ન થયો કે આ રાજકારણ છે શું? એટલે હું સીધો પહોંચી ગયો આપણા પરમ પૂજ્ય, હાસ્ય સમ્રાટ અને કટાક્ષના કુળગુરુ એવા સંત બબુડા નાથ પાસે.
બબુડા નાથ અત્યારે લીંબડા નીચે ખાટલો ઢાળીને બેઠા હતા અને હાથમાં ‘ઈલેક્શન મેનિફેસ્ટો’ વાંચીને મોઢામાં મમરા ફાકતા હતા.
મેં જઈને પ્રણામ કર્યા અને પૂછ્યું, “બાપુ, આ રાજકારણમાં રાતોરાત બધું બદલાઈ કેમ જાય છે? હજી ગઈકાલ સુધી જે માણસ કોંગ્રેસ માટે લોહી રેડવાની વાતો કરતો હતો, આજે એ ભાજપના સ્ટેજ પર બેસીને ફુલહાર પહેરે છે!”
બબુડા નાથ એક મમરો હવામાં ઉછાળી મોઢામાં ઝીલીને બોલ્યા, “બેટા, આને ‘પવિત્ર પક્ષીકરણ’ કહેવાય. ભાવનગરમાં અત્યારે એવા ચમત્કારો બની રહ્યા છે કે વિજ્ઞાન પણ હાથ હેઠા મૂકી દે. જો સાંભળ, હજી ગઈકાલ સુધી મારો એક પરમ મિત્ર કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એના માટે 9.8ની તીવ્રતાથી વાતો કરતો હતો. મેં ગદગદ થઈને એને શુભેચ્છા આપી કે, ‘ભાઈ, તારી પાર્ટી જીતે એવા આશીર્વાદ!’ તો ભાઈને 10.20ની તીવ્રતાનું ખોટું લાગી ગયું! મને કે, ‘યાર, તું તો સાવ આઉટડેટેડ છો, હું તો હવે ભાજપમાં ભળી ગયો છું!’ મારે તાત્કાલિક મારી શુભેચ્છાઓ પાછી ખેંચવી પડી. મને ડર લાગ્યો કે ક્યાંક એ મારી શુભેચ્છાઓ પર જીએસટી ન લગાડી દે!”
મેં હસતા હસતા પૂછ્યું, “પણ બાપુ, આટલી જલ્દી હૃદય પરિવર્તન?”
બબુડા નાથ ખડખડાટ હસી પડ્યા, “હૃદય પરિવર્તન નહીં બેટા, આ તો ‘હવા પરિવર્તન’ છે! ભાજપ મોટો પક્ષ છે, એટલે ત્યાં શિસ્તના નામે કોઈ ભાવ ન પૂછે. મારા પેલા મિત્રએ ભાજપમાં જઈને મને ખાનગીમાં કહ્યું, ‘બાપુ, ભાજપમાં તો ઓફિસે જઈએ તો કોઈ ગણતું નો’તું. અહીં તો ભીડ એટલી છે કે આપણી હાજરીની નોંધ લેવા માટે પણ લાઈનમાં ઊભા રહેવું પડે! એના કરતાં કોંગ્રેસમાં મજા છે. ત્યાં તો વગર મેન્ડેટે ઉમેદવાર બની જઈએ તોય કોઈ કાંઈ બોલે નહીં! ત્યાં લોકશાહી એટલી બધી છે કે એક જ સીટ પર ચાર જણા પોતાની મેળે ફોર્મ ભરી આવે અને પછી રસ્તામાં મળે ત્યારે એકબીજાને પૂછે – ‘કેમ, તું પણ ઊભો રહ્યો છે?'”
મેં પૂછ્યું, “બાપુ, આ ચૂંટણીના દિવસોમાં નેતાઓ અચાનક અદ્રશ્ય કેમ થઈ જાય છે? ફોન કરીએ તો કહે કે ‘કામમાં છું’.”
બબુડા નાથે ચલમ (ખાલી હોવા છતાં) ફૂંકતા હોય એમ ડોકું હલાવ્યું, “એ જ તો મિસ્ટ્રી છે! ચૂંટણી એવો જંગ છે જ્યાં અંતિમ તબક્કામાં દર કલાકે ચિત્ર બદલાય. ભાવનગરના રાજકારણમાં કોઈ કાયમી શત્રુ નથી કે કોઈ કાયમી મિત્ર નથી. આપણે મૂરતિયા બનીએ એટલે ઉમેદવારી નોંધાવીએ, પણ જેવી ચૂંટણી નજીક આવે એટલે ચિત્ર ધૂંધળું થઈ જાય. આપણને લાગે કે આપણું લશ્કર લડી રહ્યું છે, પણ ખબર પડે કે લશ્કર તો સામી પાર્ટીના બફેમાં જમવા ગયું છે!”
તેમણે આગળ ઉમેર્યું, “તારા ખાસ માણસો અચાનક દેખાતા બંધ થઈ જાય. તું ફોન કરે તો પેલો કહે, ‘હમણાં બહુ જ કામમાં છું.’ ખરેખર એ કયા કામમાં હોય ખબર છે? એ સામેવાળાના ભાવ તાળતો હોય! પણ આ દિવસોમાં તું એને ઘઘલાવી ન શકે. કેમ કે હાર-જીતનો ફેંસલો એક મતે થતો હોય અને તારી ડિપોઝિટ ડૂલ થવાની તૈયારી હોય, ત્યારે તું પેલા ‘કામમાં રહેલા’ ગઠિયાને પણ વિનંતી કરે કે ‘ભાઈ, તારો એક મત કિંમતી છે.’ આ તો કરકસરનો ખેલ છે બેટા!”
મેં પૂછ્યું, “બાપુ, પણ આમાં સાચું કોણ અને ખોટું કોણ એ ઓળખવું કેવી રીતે?”
બબુડા નાથે પોતાની આંખો ઝીણી કરી અને કટાક્ષની ધાર તેજ કરતા કહ્યું, “જેને તું ઓળખતો નથી, એ તારો ‘ખાસ મિત્ર’ બનીને ફૂટી નીકળશે. જે તારા ઘરે ક્યારેય લોટો પાણી પીવા નથી આવ્યો, એ તારા ગળામાં હાથ નાખીને કહેશે કે ‘આ વખતે તો આપણે જ જીતવાના છીએ!’ પણ સાવધ રહેજે, મિત્રના રૂપમાં જ દુશ્મન તારી બાજુમાં બેઠો હોય અને દુશ્મનના રૂપમાં દૂર રહેલો માણસ કદાચ તારો સાચો હિતેચ્છુ હોય. રાજકારણ એ કન્ફ્યુઝનનો કરંડિયો છે, જેમાં સાપ નીકળશે કે નેળિયો એ તો મતપેટી ખુલે ત્યારે જ ખબર પડે.”
મેં હસતા હસતા કહ્યું, “તો પછી આ બધા લોકો જે જાહેરમાં ટેકો જાહેર કરે છે એનું શું?”
બબુડા નાથે ખાટલા પરથી બેઠા થઈને છેલ્લું સૂત્ર આપ્યું, “બેટા, રાજકારણનો સુવર્ણ નિયમ યાદ રાખજે – ‘જો સાથ મેં નહીં હૈ, વો સામને હૈ.’ જે લોકો જાહેરમાં તારી સાથે ચાલ્યા છે, એમને ખાનગીમાં પણ તારી સાથે ચાલવું જ પડે. કેમ? કારણ કે હવે આ એમના માટે આબરૂનો સવાલ બની ગયો છે! જો તું હારે, તો લોકો એમને પૂછશે – ‘તમે તો એની સાથે રિક્ષામાં ફરતા હતા ને, તો કેમ હારી ગયો?’ એટલે પોતાની આબરૂ બચાવવા માટે પણ એમને તારા માટે ખોટા-સાચા વલખાં મારવા પડે. ટૂંકમાં, આ આખો ખેલ આબરૂ બચાવવાનો છે, દેશ બચાવવાનો તો પછી ક્યારેક જોઈ લઈશું!”
બબુડા નાથની વાતો સાંભળીને મને સમજાયું કે ભાવનગરના આ ચૂંટણી જંગમાં નેતાઓનો પક્ષ ગમે તે હોય, પણ જનતા માટે તો આ ‘ફ્રી મનોરંજન’નો શો છે. જે જાહેરમાં જીંદાબાદ પોકારે છે, એ જ ખાનગીમાં ‘વહીવટ’ની રાહ જોવે છે. આખરે, આ બધું ‘ધીસ ઇઝ ધેટ’ જેવું જ છે – દેખાય છે કંઈક, હોય છે કંઈક અને નીકળે છે સાવ અલગ જ!
મેં બબુડા નાથના પગે લાગીને રજા લીધી, ત્યારે પાછળથી અવાજ આવ્યો, “બેટા, જતાં જતાં ભાવનગરના ગાંઠિયા લેતો જજે, કારણ કે નેતાઓના વચનો કરતા ગાંઠિયા વધારે કરકરા અને સાચા હોય છે!”
