ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવમાં સંત પૂ.સીતારામબાપુ સહિત સંતો મહંતો પધારીને આશિર્વચન આપશે.
કુંઢેલી, તા.27 સોમવાર
તળાજા તાલુકાના ઘાટરવાળાના ગામજનો દ્વારા નિર્માણ પામેલા નૂતન શિવ મંદિર તેમજ રામદેવપીર મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભાવભેર પ્રારંભ થયો છે. શ્રી ઘાટેશ્વર મહાદેવ શિવ પંચાયત તથા રામદેવપીર બાપાના પરિવાર સાથેની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ તા. 29 ને બુધવારે સાંજે થશે.
સતત ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવમાં નવગ્રહ હોમ, જળયાત્રા, જલાદીવાસ, વાસ્તુપૂજન લઘુરુદ્ર હોમ, સ્વપ્ન વિધિ, મૂર્તિ મહાન્યાસ, શ્યાધિવાસ, પ્રસાદદીક્ષા હોમ, મહાન્યાસ તેમજ પ્રભુ પ્રતિષ્ઠા વગેરે વિધિ પૂર્વકના પ્રસંગો યોજાશે.
આ અવસરે શિવકુંજ આશ્રમ અધેવાડાના સંતશ્રી સીતારામબાપુ, ગાદીપતિ શ્રી બ્રહ્મચારી જગ્યા ગોપનાથ,
1008 મહામંડલેશ્વર અને અંબાજી પિઠાધીશ્વર મહંત પૂ.રમજુબાપુ, શિવશક્તિ આશ્રમ કરમદિયાના સંત શ્રી કમલેશ્વરનંદબાપુ, શ્રી શંકર હનુમાનજી મંદિર ભાવનગરના શ્રી કરુણાશંકરદાદા સહિતના સંતો મહંતોની પાવન ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. તા. 28 ને મંગળવારના રોજ વિક્રમભાઈ રાવળ દેવગાણા વાળા ભવ્ય ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠાના યજ્ઞના આચાર્ય પદે સોમનાથવાળા શાસ્ત્રીશ્રી મધુકાન્તભાઈ પાઠક છે.
આ ધાર્મિક પ્રસંગે ત્રણેય દિવસ માટે ગામ ધુવાડા બંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન ઘાટરવાળા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે.
