ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એસસી. હોમ સાયન્સ સેમેસ્ટર ૬નું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં પોરબંદરની ડો. વિરમભાઈ રાજભાઈ ગોઢાણિયા મહિલા કોલેજનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીનીઓમાં પ્રથમ ક્રમે સોલંકી નિશાએ ૮૨.૭૨ ટકા, બીજા ક્રમે મોઢવાડિયા દિશાએ ૭૬.૩૬ ટકા અને તૃતીય ક્રમે વાંદરિયા મહેકે ૭૦.૭૨ ટકા મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. વર્ષ ૧૯૮૮થી કાર્યરત આ કોલેજમાં હોમ સાયન્સનો આધુનિક અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. સેમેસ્ટર ૬ની વિદ્યાર્થીનીઓએ ફેશન ડિઝાઇન, એન.જી.ઓ. મેનેજમેન્ટ અને ઇન્ડિયન ટ્રેડિશનલ ફૂડ જેવા વિષયોના અભ્યાસ સાથે લેડી હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી પ્રેક્ટિકલ તાલીમ પણ મેળવી હતી.
કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ કેતન શાહ જણાવે છે કે હોમ સાયન્સ એ માત્ર રસોઈકલા નથી પરંતુ તે આધુનિક ફેશન ડિઝાઇનિંગ, ફૂડ ન્યુટ્રીશન અને કોમ્પ્યુટર સાયન્સ જેવા વિષયોથી સજ્જ કોર્સ છે. આ કોર્સ બાદ વિદ્યાર્થીનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બી.એડ. તેમજ આંગણવાડી અને જિલ્લા પંચાયતના હેલ્થ વિભાગમાં ન્યુટ્રીશન પ્રોગ્રામ અંતર્ગત નોકરી મેળવી શકે છે. વિદ્યાર્થીનીઓની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વિરમભાઈ ગોઢાણિયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા, ટ્રસ્ટી ભરતભાઈ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણિયા, ભરતભાઈ વિસાણા અને પ્રિન્સીપાલ કેતન શાહ સહિત સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે. સંસ્થા દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીનીઓને આ રોજગારલક્ષી કોર્સનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


