ધ ગ્રેટ વર્લ્ડ, મનામા
હોર્મુઝની સામુદ્રધુનીમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી શરૂ કરાયેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ હેઠળ યુએસ નેવીએ મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય જળસીમામાં વ્યાપારી જહાજોના માર્ગમાં અવરોધ ઉભો કરતી ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સની 7 ‘ફાસ્ટ એટેક બોટ્સ’ને અમેરિકી નૌકાદળે નષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ખાડી દેશોમાં ફસાયેલા સેંકડો જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનો છે.
આ વિસ્તાર અત્યારે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ છે. ઈરાને અગાઉ ચેતવણી આપી હતી કે જો કોઈ પણ અમેરિકી જહાજ સામુદ્રધુનીની નજીક આવશે તો તેના પર હુમલો કરવામાં આવશે. ઈરાને દાવો કર્યો છે કે તેણે એક અમેરિકી ફ્રિગેટ પર બે મિસાઈલ છોડી છે, જોકે અમેરિકાએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. વિશ્વના 20% તેલ પુરવઠાનો માર્ગ આ સામુદ્રધુની હોવાથી વૈશ્વિક અર્થતંત્ર પર તેની ગંભીર અસરો પડવાની ભીતિ સેવાઈ રહી છે. ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ અંતર્ગત ઓમાનના જળક્ષેત્રનો ઉપયોગ કરીને જહાજોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, પરંતુ ઈરાનના સતત ડ્રોન અને મિસાઈલ હુમલાઓએ આ મિશનને જોખમી બનાવ્યું છે.
