રોટરી ક્લબ દ્વારા રાણાખીરસરામાં ઓપન જીમનું લોકાર્પણ અને સ્કોલરશિપ વિતરણ
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રાણાખીરસરા સ્થિત જલારામ ધામ ખાતે વડીલોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પાંચ પ્રકારના આધુનિક કસરતના સાધનો ધરાવતા ઓપન જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ભાણજી લવજી ઘી વાળા સીમરીયા પરિવારના પરેશ સીમરીયા અને યોગેશ સીમરીયા, જયેશ પતાણી, દક્ષા પતાણી, હર્ષિત રૂઘાણી, ચેતના રૂઘાણી, અનિલરાજ સિંઘવી અને સીમા સિંઘવી પરિવારનો આર્થિક સહયોગ રહ્યો હતો. આ સાથે નિમેશ શાહ હસ્તે સ્વ. વિકાસ ચંદ્રકાન્ત શાહ (UK) ની સ્મૃતિમાં બે વ્હીલચેર પણ અર્પણ કરાઈ હતી.
શિક્ષણ ક્ષેત્રે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 અને ટપ્પુલાલ બી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના રાણાવાવ અને રાણાખીરસરાના બે વિદ્યાર્થીઓને ૨૫,૦૦૦ રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં હર્ષિત રૂઘાણીએ સ્વાગત કર્યું હતું અને અનિલરાજ સિંઘવીએ દાતાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સેવાઆશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ધવલ પરમાર દ્વારા કરવામાં આવી હતી.
