Headlines

પોરબંદરમાં નારદ જયંતી નિમિત્તે પત્રકાર સન્માન સમારોહ યોજાયો: આદર્શ પત્રકારત્વના પાઠ ભણાવવામાં આવ્યા



દેવર્ષિ નારદના જીવન મૂલ્યો અને સંઘ શતાબ્દી વર્ષના ‘પંચ પરિવર્તન’ સંકલ્પો પર વિશેષ ભાર મૂકાયો


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા નારદ જયંતીના પવિત્ર અવસરે વિશેષ પત્રકાર મિલન અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના પત્રકારો ઉપરાંત લેખકો, કવિઓ અને પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મુખ્ય વક્તા જતીનભાઈ નાણાવટીનો પરિચય આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજ નિર્માણમાં મીડિયાની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંયોજક જતીનભાઈ વિનોદરાય નાણાવટીએ પત્રકાર જગતમાં દેવર્ષિ નારદને આદર્શ ગણાવતા જણાવ્યું હતું કે, નારદજીનું મુખ્ય કાર્ય વિશ્વ ભ્રમણ કરી સાચી માહિતી પહોંચાડવાની સાથે લોક કલ્યાણ કરવાનું હતું. તેમણે નારદજીના ત્રણ મહાન ગ્રંથો – નારદ પુરાણ, નારદ સ્મૃતિ અને નારદ ભક્તિ સૂત્રનો ઉલ્લેખ કરી સમજાવ્યું હતું કે પત્રકારોએ શાસ્ત્રીય જ્ઞાન, પવિત્રતા અને નિષ્પક્ષતા કેળવી સત્યના પક્ષે ઊભા રહેવું જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્ષ 2026માં શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો છે, જે અંતર્ગત સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય જેવા ‘પંચ પરિવર્તન’ના વિષયોને જન-જન સુધી પહોંચાડવામાં પત્રકાર જગત પૂરક બને તે અનિવાર્ય છે.


કાર્યક્રમના અંતિમ ચરણમાં જિજ્ઞાસા સમાધાન અંતર્ગત સંઘના ઉદ્દેશો અને પ્રચાર વિભાગની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક ભરતભાઈ કારાવદરા અને નગર સંઘચાલક ધનજીભાઈ ગોહેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. તમામ આમંત્રિત પત્રકારો અને લેખકોને ખેસ પહેરાવી, નારદ સ્મૃતિનો ફોટો તથા “સંઘ યાત્રા સંગઠન અને સેવાના 100 વર્ષ” પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન જિલ્લા પ્રચાર પ્રમુખ તેજસ થાનકી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *