Headlines

પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા નવોદય વિદ્યાલય ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો


આગ અકસ્માત સમયે સ્વ બચાવ અને સાવચેતી વિશે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન

પોરબંદર, તા. ૧૪/૦૫/૨૦૨૬

પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં આગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા તેમજ વિદ્યાર્થીઓમાં આપત્તિ સમયે સ્વ બચાવ અંગેની સમજ વિકસે તે હેતુસર સમયાંતરે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને વધુ એક મહત્વપૂર્ણ તાલીમ કાર્યક્રમનું આયોજન પોરબંદર શહેરમાં આવેલ પી. એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન અને સુચના હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગના અધિકારી શ્રી અભય મહેતા અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને આગ અકસ્માત દરમિયાન કઈ પ્રકારની સાવચેતી રાખવી, ગભરાટથી કેવી રીતે બચવું, તાત્કાલિક પ્રાથમિક પગલાં કયા લેવા તથા સ્વ બચાવ કેવી રીતે કરવો તે અંગે વિગતવાર અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ લાગ્યાની પરિસ્થિતિમાં “શું કરવું જોઈએ” અને “શું ન કરવું જોઈએ” તેની સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સાથે સાથે ઇમરજન્સી સમયે સલામત રીતે બિલ્ડિંગ ખાલી કરવાની પ્રક્રિયા, આગમાંથી બચવા માટેના પ્રાથમિક ઉપાયો તેમજ ફાયર સેફ્ટી અંગેના મૂળભૂત નિયમોની માહિતી પણ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી એન સી સીના અંદાજિત ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓએ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શનને રસપૂર્વક સાંભળ્યું હતું અને વિવિધ પ્રશ્નો પૂછીને માહિતગાર બન્યા હતા.


ઉપરાંત ફાયર વિભાગ પાસે ઉપલબ્ધ આધુનિક સાધનો, ફાયર ફાઈટિંગ વાહનો, સુરક્ષા ઉપકરણો તેમજ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતી ટેકનિક વિશે જીવંત પ્રદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા સાધનોના ઉપયોગ અંગે પ્રાયોગિક ડેમો આપવામાં આવતા વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આવા તાલીમ કાર્યક્રમો મારફતે વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોમાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં પણ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રકારના જાગૃતિ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, તેવું ફાયર એન્ડ ઇમરજન્સીસ સર્વિસીસના અધિકારી અભય મહેતાએ જણાવ્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *