Headlines

પોરબંદરમાં ત્રિદિવસીય ચિત્રકલા શિબિર અને પ્રદર્શન સંપન્ન



​ગુજરાત અને મહારાષ્ટ્રના કલાકારોની તેલ ચિત્ર શિબિરમાં વિજેતાઓને પારિતોષિક એનાયત કરાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


​કલા નગરી પોરબંદરમાં મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના દસમા સ્થાપના દિવસ અન્વયે ગુજરાત અને મહારાષ્ટ્રની ફાઇન આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ તથા સિનિયર કલાકારો માટે ત્રિદિવસીય તેલ ચિત્રમાં પોર્ટ્રેટ શિબિર, વર્કશોપ તથા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમાપન સમારોહમાં પોર્ટ્રેટ પ્રદર્શન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલ્લભાચાર્ય હવેલીના વૈષ્ણવાચાર્ય વસંતરાય મહારાજ, નરોત્તમ પલાણ, કલાકાર મેન્ટર અદ્વૈત નાદાવડેકર, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, મુંબઈથી કિશોરજી નાદાવારેકર, પોરબંદર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા, પદુભાઈ રાયચુરા તથા પોરબંદરના કલા પ્રિય નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
​આ કલાત્મક આયોજન પ્રસંગે સાંદીપની વિદ્યા નિકેતનના રમેશભાઈ ઓઝા, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હસમુખ જે પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, પોરબંદર જિલ્લા મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ સૌ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. આ અંતર્ગત યોજાયેલી પોર્ટ્રેટ સ્પર્ધામાં પ્રથમ સ્થાને ભુજ કચ્છના બિપિન સોની, દ્વિતીય સ્થાને સુરતના સુધાબેન ઘેવરીયા અને તૃતીય સ્થાને નાગપુરના હરિશ પખાલે વિજેતા બનતા તેમને કલા તીર્થ સુરત પારિતોષિક દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ શિબિરને સફળ બનાવવામાં ટીમ ઇનોવેટિવ પોરબંદરના કલાકારોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ માટે રમેશભાઈ ઓઝા, વસંતરાય મહારાજ, પદુભાઈ રાયચુરા, સુરતના રમણિકભાઈ ઝાપડીયા તથા બાલકૃષ્ણ જ્વેલર્સ, ભુજ કચ્છના કવિતાબેન સોની તથા સુધાબેન ઘેવરીયા દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કવિ જય પંડયા તથા ચંદ્રેશ કિશોર દ્વારા કરવામાં આવ્યું હતું અને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના બલરાજ પાડલિયાએ આભાર દર્શન કર્યું હતું.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *