ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના નાગરિકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે કરવામાં આવેલી અપીલને આવકારી પોરબંદર જિલ્લાના પ્રભારી તથા ગુજરાત રાજ્યના જળ સંપત્તિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ટ્રેન દ્વારા મુસાફરી કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે આયોજિત અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધિવેશનની પૂર્વ તૈયારી બેઠકમાં હાજરી આપવા માટે કુંવરજી બાવળીયાએ રેલવે મારફતે પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર પરિવહનના ઉપયોગ અંગેના સંદેશને જીવનમાં ઉતારી તેમણે સમાજ સમક્ષ સાદગી અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા વર્ષોથી સરળ અને સાદું જીવન જીવતા કોળી સમાજના સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રભાવશાળી કેબિનેટ મંત્રી તરીકે જાણીતા છે. તેઓ સહકારી તથા સામાજિક ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
શિક્ષક કદી સાધારણ નથી હોતો જેવી ચાણક્યની ઉક્તિને પોતાના જીવનમાં સાર્થક કરનાર કુંવરજી બાવળીયાની શિક્ષકથી લઈને મંત્રી સુધીની સફર પ્રેરણાદાયી રહી છે. સાદગી, સરળતા, સાત્વિક ભોજન અને ગ્રામ્ય જીવનશૈલી સાથે લોકો સાથે સીધો સંપર્ક જાળવનાર કુંવરજી બાવળીયા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે જાણીતા છે. પાણીની સમસ્યા, ગ્રામ્ય વિકાસ અને સમાજસેવાના મુદ્દાઓ પર તેઓ સતત સક્રિય રહ્યા છે. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી અખિલ ભારતીય કોળી સમાજની રાષ્ટ્રીય મહા અધિવેશન પૂર્વ તૈયારી બેઠકમાં હાજરી આપવા તેમણે રેલવેનો ઉપયોગ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમદા વિચારને અમલમાં મૂક્યો હતો. સામાન્ય રીતે મંત્રીઓ હવાઈ સફર કે સરકારી વાહનોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એક મંત્રી તરીકે સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં મુસાફરી કરી તેમણે સમાજને પ્રેરણા આપી છે.
આ બદલ પોરબંદર જિલ્લા કોળી સમાજના રત્ન ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા, પોરબંદર અને રાણાવાવના સેવાકર્મી સમાજશ્રેષ્ઠી રામદેવભાઈ કાગડિયા તથા કુતિયાણા તાલુકા કોળી સમાજના પ્રમુખ નારણભાઈ વાઢિયા સહિતના અગ્રણીઓએ કુંવરજી બાવળીયાને અભિનંદન પાઠવ્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે મંત્રીનો આ અભિગમ પર્યાવરણની સુરક્ષા અને ઈંધણની બચત માટે પણ અત્યંત મહત્વનો સાબિત થશે. સરકારના ઉચ્ચ પદ પર હોવા છતાં સામાન્ય નાગરિકની જેમ સફર કરવાનો તેમનો આ નિર્ણય અન્યો માટે પણ અનુકરણીય રહેશે.
