Headlines

ભાડું ન ચૂકવનારને દુકાનનો કબજો રાખવાનો કોઈ હક નથી: પોરબંદર સિવિલ કોર્ટનો મહત્વનો ચુકાદો


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર


પોરબંદરના મુખ્ય કેદારેશ્વર મંદિર રોડ પર આવેલા રીયલ શોપિંગ સેન્ટરમાં મિલકત ધરાવતા ભુપેન્દ્ર મણીલાલ દાસાણી અને અન્ય ભાગીદારો દ્વારા પોતાની માલિકીની એક દુકાન ૧૧ મહિનાના લીવ એન્ડ લાયસન્સ કરારથી રોહિત ઈશ્વરલાલ પાલાને ભાડે આપવામાં આવી હતી. આ દુકાનનું માસિક ભાડું રૂપિયા ૨,૨૦૦ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, દુકાન ભાડે લીધા બાદ ભાડૂઆત દ્વારા વપરાશની કોઈ રકમ કે નિયમિત ભાડું ચૂકવવામાં આવતું નહોતું. આટલું જ નહીં, દુકાન ખાલી કરવાના બદલે ભાડૂઆતે પોરબંદરની સ્થાનિક કોર્ટમાં દાવો દાખલ કરીને મકાનમાલિક તેની પાસે દુકાન ખાલી ન કરાવે તેવો વચગાળાનો મનાઈહુકમ પણ મેળવી લીધો હતો. આ દરમિયાન મૂળ મિલકત માલિકોએ પોતાની દુકાનનો ખાલી કબજો પરત મેળવવા માટે એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની અદાલતમાં વળતો કાનૂની દાવો દાખલ કર્યો હતો.
આ કેસ વર્ષ ૨૦૧૬થી નામદાર કોર્ટમાં પેન્ડિંગ હતો. તાજેતરમાં આ કેસ સિનિયર સિવિલ જજ કોમલ મેડમની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. કોર્ટ સમક્ષ બંને પક્ષોની દલીલો, રેકોર્ડ પરના પુરાવાઓ, સાક્ષીઓની જુબાનીઓ અને ભાડૂઆતની ઉલટતપાસને ધ્યાને લેવામાં આવી હતી. અદાલતે ગુજરાત રેન્ટ કંટ્રોલ એક્ટની વિવિધ જોગવાઈઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે ભાડૂઆત નિયમિત ભાડું ચૂકવતો નથી, તેને દુકાનનો કબજો પોતાની પાસે રાખવાનો કાયદાકીય રીતે કોઈ અધિકાર કે હક રહેતો નથી.
અદાલતે ભાડૂઆત રોહિત ઈશ્વરલાલ પાલાને કડક આદેશ આપતાં જણાવ્યું છે કે તેણે આગામી ૩૦ દિવસની અંદર આ દુકાન સંપૂર્ણપણે ખાલી કરીને તેનો અસલ કબજો મૂળ માલિકોને સોંપી દેવો પડશે. આ ઉપરાંત કોર્ટે ભાડૂઆતને ઓક્ટોબર ૨૦૧૪થી બાકી નીકળતી ભાડાની રકમ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. જ્યાં સુધી દુકાનનો ખાલી કબજો મિલકત માલિકને સુપરત કરવામાં ન આવે, ત્યાં સુધી માસિક રૂપિયા ૨,૨૦૦ લેખે ગણતરી કરીને બાકી ભાડું ચૂકવવું પડશે. આ હિસાબે લગભગ ૧૬ વર્ષ જેટલા લાંબા સમયનું બાકી ભાડું અંદાજે રૂપિયા ચાર લાખ જેટલું થવા જાય છે, જે ચૂકવવાનો હુકમ કોર્ટે કર્યો છે.
આમ, ભાડું ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે દુકાનનો કબજો જમાવી રાખનારા ભાડૂઆતો માટે પોરબંદર કોર્ટનો આ ચુકાદો એક મોટી ચેતવણી સમાન સાબિત થયો છે. આ ચુકાદાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાડું ન ચૂકવવાની સ્થિતિમાં ચડત ભાડું તો ભરવું જ પડશે અને સાથે દુકાનનો કબજો પણ ગુમાવવો પડશે. આ સમગ્ર કેસમાં વાદીઓ એટલે કે મિલકત માલિકો વતી પોરબંદરના વકીલો દીપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી અને ભાવના પારઘી રોકાયેલા હતા અને તેમણે કાનૂની દલીલો રજૂ કરી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *