ધી ગ્રેટ વર્લ્ડ, બેઇજિંગ. ૨૫ મે ૨૦૨૬
ચીને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા પોતાના મહત્વાકાંક્ષી સ્પેસ મિશન ‘શેનઝોઉ-૨૩’ નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ગોબી રણના જીયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટર પરથી લોન્ગ માર્ચ રોકેટ દ્વારા ત્રણ અવકાશયાત્રીઓ સાથેના આ સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં રવાના કરવામાં આવ્યું હતું. આ મિશન ચીનના પોતાના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન માટે રવાના થયું છે, જે આગામી સમયમાં ચીનના વૈશ્વિક સ્પેસ નેટવર્કને વધુ મજબૂત બનાવશે. આ લોન્ચિંગને જોવા માટે દેશ-વિદેશના વિજ્ઞાનીઓ અને મીડિયા જગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિશનના તમામ તબક્કાઓ આયોજન પૂર્વક પાર પડતા કંટ્રોલ રૂમમાં હાજર તમામ વૈજ્ઞાનિકોએ તાળીઓના ગડગડાટથી આ સફળતાને વધાવી લીધી હતી.
આ મિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સામેલ ત્રણ સભ્યોના ક્રૂ પૈકી એક વરિષ્ઠ ચીની અવકાશયાત્રી પ્રથમ વખત અવકાશમાં પૂરા એક વર્ષ સુધી રોકાશે. આટલા લાંબા સમય સુધી અવકાશમાં રહેવાનો આ ચીનનો પ્રથમ રેકોર્ડ બનશે, જે માનવ શરીર પર શૂન્ય ગુરુત્વાકર્ષણની લાંબાગાળાની અસરો તપાસવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ આ ટીમ વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગો, સ્પેસ વોક અને સ્ટેશનના મેઇન્ટેનન્સની કામગીરી સંભાળશે. ચીનનો આગામી લક્ષ્યાંક ચંદ્ર પર માનવ સહીતનું મિશન મોકલવાનો છે, જેના પાયારૂપ પ્રયોગો આ મિશન દરમિયાન કરવામાં આવનાર છે. અમેરિકાની નાસા સંસ્થા સાથેની તીવ્ર સ્પર્ધા વચ્ચે ચીનનું આ કદમ વૈશ્વિક સ્પેસ પોલિટિક્સમાં મોટો ગરમાવો લાવી રહ્યું છે અને ચીને સાબિત કર્યું છે કે તે અવકાશ સંશોધનમાં હવે કોઈનાથી પાછળ નથી.
◆◆◆
