Headlines

વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં ભારતે મેળવ્યો સુવર્ણચંદ્રક: ગુજરાતના ભાવનગરના યુવાને વિશ્વ ફલક પર દેશનું નામ રોશન કર્યું


ફોરવર્ડ બેન્ડ સિંગલ સ્પર્ધાની ફાઇનલમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પછાડીને ભાવનગરના ખેડૂત પુત્ર અને બીએસએફના જવાન શિયાળ કૃષ્ણભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર


ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાના એવા માથાવાડા ગામના વતની અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાન શિયાળ કૃષ્ણભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી પ્રથમ વર્લ્ડ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશિપમાં દેશ માટે સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને યોગાસન ભારત સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ વૈશ્વિક સ્પર્ધાના પાંચમા ફ્લાઇટ ઓફ પ્લેસ પર સિનિયર એ વય જૂથની પુરુષો માટેની ફોરવર્ડ બેન્ડ સિંગલ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં ફાઇનલ રાઉન્ડમાં અદભુત અને શાનદાર પ્રદર્શન કરીને તેમણે કુલ ૪૬.૭૫ નો સર્વોચ્ચ સ્કોર પ્રાપ્ત કર્યો હતો. વિશ્વના અનેક દેશોના મજબૂત પ્રતિસ્પર્ધીઓ સામે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરીને તેમણે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે અને સમગ્ર ગુજરાત સહિત ભારત દેશનું ગૌરવ વિશ્વ સ્તરે વધાર્યું છે.


વિશ્વભરમાંથી આવેલા કુશળ ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ કડક સ્પર્ધામાં ભારે રસાકસી જોવા મળી હતી. શિયાળ કૃષ્ણભાઈ પછી બીજા ક્રમે સિંગાપુરના સિંગ જીયા હુઈ ૪૨.૦૩ ના સ્કોર સાથે રહ્યા હતા, જ્યારે ત્રીજું સ્થાન ઉઝબેકિસ્તાનના શકીરોવ રેડજેપ દ્મિત્રીવિચે ૪૧.૦૩ ના સ્કોર સાથે મેળવ્યું હતું. ચોથા ક્રમે તાન્ઝાનિયાના કરીમુ જુમા સ્વાફી ૩૭.૨૫ ના સ્કોર સાથે અને પાંચમા ક્રમે ટોગોના સેમેહા ૩૫.૮૦ ના સ્કોર સાથે રહ્યા હતા. નેધરલેન્ડ્સના ખેલાડી અમેયા ક્રિષ્ના બાયસાનીએ ૩૫.૩૬ ના સ્કોર સાથે છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો. સાતમા ક્રમે નાઇજીરિયાના મુસ્બાહુ ઉસ્માન આદમ ૩૩.૫૭ ના સ્કોર સાથે, આઠમા ક્રમે પાપુઆ ન્યુ ગિનીના ડેનિસ કિયા ૩૩.૪૨ ના સ્કોર સાથે તેમજ નવમા ક્રમે અફઘાનિસ્તાનના મોહમ્મદ ૩૦.૫૫ ના સ્કોર સાથે રહ્યા હતા. દસમો ક્રમ નાઇજરના મહામદોઉએ ૩૦.૩૨ ના સ્કોર સાથે, અગિયારમો ક્રમ ઘાનાના બાશીર મુબારક મુખ્તાર વાડીએ ૨૯.૭૬ ના સ્કોર સાથે અને બારમો ક્રમ મોઝામ્બિકના યુનુસે ૨૭.૫૦ ના સ્કોર સાથે પ્રાપ્ત કર્યો હતો. આ યાદીમાં તેરમા સ્થાને કેન્યાના ટોની ઓચિએંગ ઓયવેચ ૨૭.૧૩ ના સ્કોર સાથે અને ચૌદમા સ્થાને રવાન્ડાના કિરેન્ગા ઇમેન્યુઅલ ૨૦.૬૧ ના સ્કોર સાથે રહ્યા હતા. જ્યારે જાપાનના કોઇચિરો મોરિમોટો, જીબુટીના સેડ્રિક અલ્મિસ સિયાદ અને કેનેડાના માનવ કોઈ પણ ગુણ મેળવી શક્યા ન હોવાથી અનુક્રમે પંદરમા, સોળમા અને સત્તરમા ક્રમે રહ્યા હતા. આ તમામ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને પાછળ છોડીને ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે.
એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા શિયાળ કૃષ્ણભાઈની આ સફર અત્યંત સંઘર્ષપૂર્ણ અને પ્રેરણાદાયી રહી છે. તેમના પિતા ખેતીકામમાં અથાગ મહેનત કરે છે અને પિતાના આ જ પરિશ્રમના સંસ્કારો પુત્રમાં પણ જોવા મળ્યા છે. તેઓ વર્ષ ૨૦૦૫ થી યોગાસન ક્ષેત્રે જોડાયેલા છે. તેમણે પોતાના યોગાભ્યાસની શરૂઆત તળાજા તાલુકાની શ્રીમતી એન એસ ડાખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય બેલાથી કરી હતી. વર્ષ ૨૦૧૪ માં તેઓ દેશસેવા કાજે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. સેનામાં જોડાયા બાદ પણ તેમણે યોગ પ્રત્યેનો પોતાનો લગાવ ચાલુ રાખ્યો હતો અને વર્ષ ૨૦૧૬ માં વિશાખાપટનમ ખાતે યોજાયેલી પ્રથમ યોગાસન પોલીસ ગેમ્સમાં ભાગ લઈને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હાલમાં તેઓ બીએસએફની કેન્દ્રીય યોગાસન સ્પોર્ટ ટીમમાં સામેલ છે અને પોતાના મુખ્ય કોચ ઇન્સ્પેક્ટર સુભાષ સરના માર્ગદર્શન હેઠળ સખત પ્રેક્ટિસ કરી રહ્યા છે. અગાઉ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ તેમજ એશિયન ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીતીને પોતાની પ્રતિભા સાબિત કરી દીધી હતી, જેની ફળશ્રુતિ રૂપે આજે વૈશ્વિક મંચ પર પણ તેમણે સુવર્ણ સફળતા મેળવી છે.
આ ભવ્ય અને ઐતિહાસિક સિદ્ધિ મેળવવા બદલ કોમ્પિટિશન ડિરેક્ટરની સહી સાથે સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના પર કોઈ પણ અપીલ પેન્ડિંગ નથી તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. શિયાળ કૃષ્ણભાઈની આ અદ્ભુત સફળતાના સમાચાર મળતા જ તેમના વતન માથાવાડા ગામ અને સમગ્ર તળાજા પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો ડંકો વગાડવા બદલ તેમના પરિવારજનો, ગ્રામજનો, રમતગમત પ્રેમીઓ તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ભારે હર્ષની લાગણી સાથે અભિનંદન વર્ષા થઈ રહી છે. મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ કદમ પાછા ન હટાવીને મેળવેલી આ વૈશ્વિક સિદ્ધિ દેશના કરોડો યુવાનો માટે રમતગમત અને યોગ ક્ષેત્રે આગળ વધવા માટે એક નવો રાહ ચીંધશે અને પ્રેરણાદાયી સાબિત થશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *