ગુજરાતના માછીમારોને ડીઝલ પર મળવાપાત્ર વેટ રિફંડની ચૂકવણી છેલ્લા ચાર મહિનાથી વિલંબિત થઈ રહી હતી. ખાસ કરીને માર્ચ, એપ્રિલ અને મે ૨૦૨૬ એમ ત્રણ મહિનાની રકમ બાકી રહેતા માછીમાર સમાજમાં ચિંતા અને મુશ્કેલી ઊભી થઈ હતી. આ અંગે પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂઆત કરી હતી અને બાકી વેટ રિફંડની ચૂકવણી માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ આ પ્રશ્નને ગંભીરતાથી લઈ જરૂરી રજૂઆત અને અનુસરણ કર્યું હતું. આ પ્રયાસોના પરિણામે માછીમારો માટે રાહતરૂપ સમાચાર આવ્યા છે અને માર્ચ, એપ્રિલ તથા મે ૨૦૨૬ એમ ત્રણેય બાકી મહિનાના ડીઝલ વેટ રિફંડની ચૂકવણી કરવામાં આવી છે. લાંબા સમયથી બાકી રહેલી આ રકમ મળતા ગુજરાતના માછીમારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
પોરબંદર માછીમાર બોટ એસોસિએશન વતી આ પ્રશ્નના નિરાકરણ માટે સહયોગ અને જરૂરી માર્ગદર્શન આપવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્યક્ષણના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવે છે. સાથે સાથે, માછીમારોની સમસ્યાને ગંભીરતાથી લઈને બાકી ડીઝલ વેટ રિફંડની ચૂકવણી માટે જરૂરી પગલાં લેવા બદલ કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો પણ પોરબંદર માછીમાર બોટ એસોસિએશન તથા સમગ્ર માછીમાર સમાજ વતી વિશેષ આભાર માનવામાં આવે છે. માછીમારોના હિત સાથે જોડાયેલા આવા પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે અને સરકાર દ્વારા માછીમાર સમાજને સતત સહયોગ મળતો રહે તેવી અપેક્ષા રાખવામાં આવી છે, જેની વિગતો મુકેશભાઈ પ્રેમજીભાઈ પાંજરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
