શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને સામાજિક એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવશે કળશયાત્રા
હરેશ પરમાર, ભાવનગર
દેશ હાલમાં અમૃત કાળના ઉત્સવમય વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સંત શિરોમણી રોહિદાસજીની ૬૫૦મી જન્મજયંતીનું વર્ષ અત્યંત ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યું છે. આ પ્રસંગે સામાજિક સમરસતાના પ્રણેતા એવા સંત રોહિદાસજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે સામાજિક સમરસતા સંકલ્પ અભિયાન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદના જગન્નાથજી મંદિરેથી પ્રસ્થાન થયેલી અને સંત રોહિદાસજીની જન્મભૂમિની પવિત્ર માટી ધરાવતા કળશની યાત્રા ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ભાવનગર આવી પહોંચી હતી.
ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શહેરના મહિલા કોલેજ ખાતે આ સામાજિક સમરસતાના પ્રતીક સમાન કળશનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલા કોલેજથી શરૂ થઈને આ યાત્રા આનંદનગરના સંત રોહિદાસજી મંદિર સુધી પહોંચી હતી. યાત્રા દરમિયાન ભક્તિગીતો ગુંજતા રહ્યા હતા અને સામાજિક સમરસતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશાળ સંખ્યામાં એકત્ર થયેલા ભક્તો અને નગરજનોની હાજરીમાં સંત રોહિદાસજીના જીવન અને કવન પર આધારિત બૌદ્ધિક ચર્ચાઓ યોજાઈ હતી.
કાર્યક્રમમાં સામાજિક સમરસતાનો સંદેશ ફેલાવવા માટે સંત મુનમદાસ બાપુ, અરવિંદદાસ બાપુ, બટુકદાસ બાપુ, ગોપાલદાસ બાપુ અને ભરતસિંહ બાપુ જેવા સંતગણોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ઉષાબેન તલરેજા અને ભાવનગરના પ્રભારી કમલેશભાઈ મીરાણીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં શહેર અને વોર્ડના સંગઠનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને તેમની ટીમ, અનુસૂચિત જાતિના અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભક્તો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને સંત રોહિદાસજીના સામાજિક સમરસતાના સંદેશનો વ્યાપ વધારવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
શહેર ભાજપ મીડિયા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી દિવસોમાં આ કળશયાત્રા ભાવનગરના તમામ વોર્ડમાં ભ્રમણ કરશે અને દરેક વિસ્તારના નાગરિકોને સામાજિક સમરસતાનો સંદેશ આપશે. આ પ્રકારના આયોજનથી સમાજમાં એકતા અને સદભાવનાની ભાવના દ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંત રોહિદાસજીના આશીર્વાદ અને તેમના વિચારોને અનુસરીને સમાજમાં ઉચ્ચ-નીચના ભેદભાવ ભૂલીને સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ આ અભિયાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. શહેરના ખૂણે ખૂણે પહોંચીને આ યાત્રા સંત રોહિદાસજીના પવિત્ર વિચારો અને સામાજિક સમરસતાના મૂલ્યોનું સિંચન કરશે, જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.
