Headlines

પોરબંદર જિલ્લામાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સુરત જેલ મોકલાયો


કુતિયાણા વિસ્તારના આરોપી વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી અટકાયતી પગલાં લેવામાં આવ્યા, સ્થાનિક ક્રાઈમ બ્રાંચની સરાહનીય કામગીરી

પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો સામે પાસા હેઠળ અટકાયતી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાનમાં ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ રાણાવાવ વિભાગના માર્ગદર્શન હેઠળ કૃતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કૃતિયાણા પોલીસ સ્ટેશનના ગુના હેઠળ અલગ અલગ બ્રાન્ડની શીલપેક વિદેશી દારૂની બોટલો અને બીયર ટીન નંગ ૨૪૮૪ જેની કિંમત રૂપિયા ૪,૮૧,૯૮૮ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા સેજા ભીભુભાઈ મોરી (ઉંમર વર્ષ ૪૦, ધંધો ખેતીકામ, રહે. દેવડા ગામ, કાડીનેશ કન્યાશાળા સામે, તા. કૃતિયાણા, જી. પોરબંદર) નામના શખ્સ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા મારફત આ દરખાસ્ત પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સામાવાળાને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમાં રાખવા માટેનો પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા દ્વારા આ પાસા વોરંટની બજવણી કરવામાં આવી હતી અને આરોપી સેજા ભીભુભાઈ મોરીને સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

આ સમગ્ર સફળ કામગીરી પાર પાડવા માટે પોરબંદર સ્થાનિક ક્રાઈમ બ્રાંચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા તેમજ સહાયક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બટુકભાઈ વિજુડા, રૂપલબેન લખધીર, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ઝાલા, હિમાંશુભાઈ મક્કા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, કૃતિયાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ બાંટવા અને પોલીસ કોન્સ્ટેબલ કેમતસિંહ ગોહિલ રોકાયેલા હતા અને સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી જારી રાખવામાં આવશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *