
શબ્દોને સથવારે
– નારન બારૈયા
નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન
એને ટકાવી શકો તો એસર્શન યાને સંકલ્પ એક એવી તાકાત છે જે અસંભવને સંભવ બનાવી શકે છે…. નહીતર એ જાત સાથેની મજાક સાબિત થઇ જાય છે….
નૂતન વર્ષની ખાસિયત એ હોય છે કે તે ક્યારેય મોજ- મસ્તી અને મજાકો વગર પસાર થતું નથી. નવું વષૅ એના સૌથી તોફાની એવા પ્રથમ દિવસથી લઈને છેક અઠવાડિયે દસ દિવસે ટાઢું પડે છે, ત્યાં સુધી લોકો એકબીજા સાથે ‘નૂતનવર્ષ- મજાકાનંદ’ માણ્યા કરે છે. જમાનાઓના જમાના વીતી જવા છતાં લોકો જેનાથી કંટાળ્યા નથી એવી ‘અભિનંદન’ પ્રકારની મજાક લોકોમાં અત્યંત પ્રિય છે. સામાન્ય રીતે કોઇએ મહાન પરાક્રમ કર્યું હોય કે કોઈ મોટી સિદ્ધિ કે લાભ હાંસલ કર્યો હોય ત્યારે તે વ્યક્તિ અભિનંદનને પાત્ર બનતી હોય છે. તેના પર અભિનંદનવર્ષા કરવામાં આવતી હોય છે. કોઈ મિશન કે કાર્યને પૂરું કરવામાં તમે મહત્વનો ફાળો આપ્યો હોય તો તમને તે બદલ અભિનંદન મળતા હોય છે. પણ અહીંયા મજા એ છે કે ગયા વર્ષને જલ્દી પૂરું કરવામાં કે નવા વર્ષને જલ્દીથી લાવવામાં તમે કોઈ જ ફાળો આપ્યો ન હોવા છતાં તમને નવું વર્ષ આવ્યુ હોવાને કારણે અભિનંદન આપવામાં આવે છે – નૂતનવર્ષાભિનંદન !
આના જેટલી જ રોમેન્ટિક મજાક છે; શુભેચ્છા પ્રકારની મજાક… એની પાસે તમે ૧૦૦ રૂપિયા ઉંછીના માગશો તો તે તમને ૨૦૦ ધક્કા ખવડાવ્યા પછી પણ સો ટકા નહીં જ આપે. પણ નવા વર્ષે એ તમને ધનવાન- સંપત્તિવાન બનો, એવી શુભેચ્છા વિનામુલ્યે આપશે. એ તમારા વિષે જાહેરમાં ક્યારેય સારું નહી બોલે, પણ નવા વર્ષે એ તમને કીર્તિવાન બનો, એવી શુભેચ્છાઓ મોઢામોઢ ‘હૉફડાવી’ દેશે…! કારણ?! નવા વર્ષે એની સેન્સ ઓફ હ્યુમર અત્યંત પાવરફુલ બને છે.
તમે પણ કંઈ મોળી વાડીના મૂળા તો છો નહીં; એટલે તમે પણ સામી મજાક કરો છો. મળેલી શુભેચ્છાઓને બમણી કરીને બમણા જોરથી સામી ફટકારવામાં તમારો પણ જોટો જડે એમ નથી. તમારો સાત્વિક સિદ્ધાંત એ છે કે વગર ફદિયે કોઇ તમારુ ભલું ઈચ્છી નાખે તો તમે એને પણ સાવ કોરો તો ના જ જવા દો…. નવુ વર્ષ આપની તમામ ‘સારી’ ઇચ્છાઓ પુરી કરે એવી શુભેચ્છા….
પણ નવા વર્ષે કરવામાં આવતી મજાકોમાં એક લોકપ્રિય મજાક કેવી છે કે તેમાં તમે અભિનંદન કે શુભેચ્છા પ્રકારની મજાકોમાં કરો છો તેમ સામો પ્રહાર નથી કરી શકતા.આધ્યાત્મિક અંધાધૂંધી ઉભી કરતી આ મજાક છે – એસર્શન…
એસર્શનમાં તમે વળતો પ્રહાર એટલા માટે માટે નથી કરી શકતા કે એમાં તમે તમારી પોતાની સાથે મજાક કરો છો. અને તેથી એ સાવ સહેલી માલુમ પડતી હોવા છતાંઅઘરી મજાક છે. અભિનંદન કે શુભેચ્છા વિભાગમાં તમે એકવાર શબ્દોની ‘બટ્ટાસટ્ટી’ બોલાવી દો પછી તમે છુટ્ટા…એમાં કોઈ એવી ઉઘરાણી નથી કરવાનુ કે – ભાઈ તમે અમને ધનવાન – સંપત્તિવાન બનવાની શુભેચ્છા પાઠવીને ગયા પછી પણ અમારા ખિસ્સા કોરા જંતર છે; તમારી શુભેચ્છાને સાચી પાડવા માટે સત્વરે બે-ત્રણ પેટી રૂપિયા મોકલી આપો ! લોકો ક્યારેય આવું નથી બોલતા, કેમકે લોકોને એ ખબર છે કે શુભેચ્છામાં ચાઈનીઝ વસ્તુની જેમ લીધા પછી એક પણ મિનિટની ગેરંટી નથી હોતી. પણ એસર્શનમાં એનાથી ઊંધું છે. એસર્શન જવાબદારીપૂર્વક કરવામાં આવે છે. એસર્શનમાં જે કઈ બોલવામાં કે નક્કી કરવામાં આવે છે તેનું પાલન અચૂક થવું જોઈએ એવો આગ્રહ જ નહીં, હઠાગ્રહ રાખવામાં આવે છે. એસર્શનમાં તમે બોલેલું કે નક્કી કરેલુ વિધાન ચરિતાર્થ કરવામાં નિષ્ફળ જાવ છો ત્યારે લોકોને તો હસવા-કારવવાનો મસાલો વિનામૂલ્યે જાય છે, એટલે એ લોકો યથાશક્તિ હસી નાખે છે. પણ એસર્શન મુજબ નહીં વર્તવા બદલ તમારી માથે જે ચડી બેસે છે તે છે તમારો જ પોતાનો આત્મા. એસર્શન તોડવા બદલ તમે પોતે જ તમારાં પર ખીજાઈ જાવ છો. તમે તમારી શરમ રાખ્યા વગર તમને તતડાવી -ખખડાવી નાંખો છો. તમે પોતાની સાથે આત્મયુદ્ધ પર ઉતરી પડો છો…
કારણ ?
કારણકે એસર્શન એક આત્મનિર્ધાર છે.
ગુજરાતીમાં જેને ‘સંકલ્પ’ કહેવામાં આવે છે તેં એસર્શન છે. અને એસર્શન આત્માની સાક્ષીએ થાય છે. એસર્શન ઉર્ફે સંકલ્પ માણસને ‘ભીહ’ પડાવી દે છે, એનું કારણ એ છે કે એનું સાક્ષીત્વ કેન્દ્ર ચોવીસે કલાક તમારાં પોતાના ઉપર નજર રાખીને બેઠું હોય છે.
નવા વર્ષે કે નવા નિમિત્તે અહીં તમાકુ ત્યાગથી લઈ છાંટોપાણીના ત્યાગ સુધીના જે જે એસર્શન થતાં હોય છે તે તે નવાણુ ટકા કિસ્સામાં આખરે તો જાત સાથેની મજાક સાબિત થતા હોય છે. કલાકો, દિવસો કે વધીને અઠવાડિયાંઓ સુધીમાં આલીશાન આલીશાન એસર્શન એક ઝાટકે ‘નૉક આઉટ’થઈ જાય છે…
તમારામાં એસર્શન(ઇચ્છાશક્તિ) હોય તો તમે ઘણુ ઘણુ કરી શકો છો.કોઈ એક જ એસર્શન (નિર્ધાર) તમારી સામાન્યતાને એક ક્ષણમાં ‘નૉકઆઉટ’ (ડિસ્રોઈ) કરીને તમને અસામાન્ય બનાવી શકે છે. એટલે જ તો એસર્શન શબ્દને પ્રથમવાર ગુજરાતી ગઝલમાં પ્રાયોજનાર કવિ અનિલવાળા કહે છે:
હવાનું તમે રૂખ વાળી શકો છો,
અગર જો તમે પણ એસર્શન કરી લો.
નથી કંઇ જ મારા વિકલ્પો હવે તો,
હવે માત્ર હું તો એસર્શન એસર્શન…
વિશ યુ હેપ્પી ન્યૂઝ યર
હવે માત્ર હું તો એસર્શન એસર્શન…
