જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૬
દ્વારકા તાલુકાના વસઈ ગામના વિદ્યાર્થી કૈણા ભિયડભાઈ ગરસરાએ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પરિવાર સાથે સમગ્ર ગામ અને પંથકનું ગૌરવ વધાર્યું છે. કૈણાએ 99.87 પર્સેન્ટાઇલ મેળવી અભ્યાસક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મહત્વની બાબત તો એ છે કે કૈણાએ વિજ્ઞાન, ગણિત અને સંસ્કૃત જેવા મહત્વના અને પડકારજનક વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવી પોતાની તેજસ્વી પ્રતિભાનો પરિચય આપ્યો છે. તેની આ સિદ્ધિ માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.
કૈણાની આ સફળતા પાછળ તેની સતત મહેનત, નિયમિત અભ્યાસ અને મક્કમ આત્મવિશ્વાસનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સામાન્ય પરિવારમાંથી આવતાં છતાં કૈણાએ સંકલ્પ અને અથાગ પરિશ્રમના બળે શ્રેષ્ઠ પરિણામ મેળવી બતાવ્યું કે યોગ્ય દિશામાં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી.
