Headlines

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં બેઠકમાં વિવિધ વિગતો જાહેર કરાઈ

– જિલ્લામાં કુલ 4.51 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ –

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૬

      રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવેલી છે. આગામી તા. 26 એપ્રિલના રોજ મતદાન તેમજ તા. 28 ના રોજ મતગણતરી થનાર છે. જે માટે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

      અહીંના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્નાએ ચૂંટણીલક્ષી વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત, ખંભાળિયા તથા જામ રાવલ નગરપાલિકાની સામાન્ય અને સલાયા નગરપાલિકામાં પ્રસંગોપાત ખાલી પડેલી એક વોર્ડની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતમાં કુલ મતદારો 3,89,617 કે જેમાં 2,03,103 પુરુષ મતદારો અને 1,86,511 સ્ત્રી મતદારો અને 3 અન્ય મતદારો તેમજ નગરપાલિકામાં કુલ 61,726 મતદારો જેમાં 31,942 પુરુષ, 29,777 સ્ત્રી ૨૯,૭૭૭ તેમજ 7 અન્ય મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લેશે.

        વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બને તેમજ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી, પારદર્શક અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ તન્ના દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

– મતદાન મથકોની વિગત –

     જિલ્લામાં મતદાન મથકની જાહેર કરવામાં આવેલી વિગતોમાં જિલ્લા પંચાયતમાં ખંભાળિયા તાલુકામાં 8 જિલ્લા પંચાયત મતદાર મંડળ, ભાણવડ તાલુકામાં 4, કલ્યાણપુરમાં 7 અને દ્વારકા તાલુકામાં 3 જિલ્લા પંચાયત મતદાર મંડળ એમ કુલ 22 બેઠક છે. તાલુકા પંચાયતની મતદાર મંડળની વિગતો જોઈએ તો, ખંભાળિયામાં 24, ભાણવડમાં 16, કલ્યાણપુરમાં 24 અને દ્વારકામાં 16 એમ કુલ 80 બેઠક છે. કુલ મતદાન મથકોની વિગતોમાં ખંભાળિયામાં 163, ભાણવડમાં 97, કલ્યાણપુરમાં 161 તથા દ્વારકામાં 66 મતદાન મથકો છે. નગરપાલિકા વિસ્તારમાં ખંભાળિયામાં કુલ 9 વોર્ડ અને 36 બેઠક, જામ રાવલમાં 6 વોર્ડની 24 બેઠક તેમજ સલાયામાં 1 બેઠક એમ મળી કુલ 16 વોર્ડની 61 બેઠક માટે મતદાન થશે. ખંભાળિયામાં 38, જામ રાવલમાં 17 અને સલાયામાં 3 એમ મળી 58 તેમજ જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યા 545 છે. 

– મતદારની વિગતો –

     જિલ્લામાં તમામ તાલુકા પંચાયતમાં મતદારોની વિગતોમાં ખંભાળિયા તાલુકા પંચાયતમાં 68,541 પુરુષ, 63,021 સ્ત્રી અને 3 અન્ય મળીને કુલ 1,31,565 મતદારો, ભાણવડ તાલુકા પંચાયતમાં 40,844 પુરુષ, 37,844 સ્ત્રી મળીને કુલ 78,688 મતદારો, દ્વારકા તાલુકા પંચાયતમાં 23,573 પુરુષ, 22,086 સ્ત્રી મળીને કુલ 45,659 મતદારો તથા કલ્યાણપુર તાલુકા પંચાયતમાં 70,145 પુરુષ, 63,560 સ્ત્રી મળીને કુલ 1,33,705 મતદારો છે. આમ તમામ તાલુકા પંચાયતમાં 2,03,103 પુરુષ, 1,86,511 સ્ત્રી અને 3 અન્ય મળીને કુલ 3,89,617 મતદારો મતદાન કરશે. 

      ખંભાળિયા નગરપાલિકામાં 22,355 પુરુષ, 20,869 સ્ત્રી અને 6 અન્ય મળીને કુલ 43,230, જામ રાવલ નગરપાલિકામાં 8,051 પુરુષ, 7,429 સ્ત્રી અને 1 અન્ય મળીને કુલ 15,481 મતદારો તથા સલાયામાં 1,536 પુરુષ અને 1,479 સ્ત્રી મળી કુલ 3,015 મતદારો મતદાન કરશે. 

      આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 2,35,045 પુરુષ, 2,16,288 સ્ત્રી અને 10 અન્ય મળીને કુલ 4,51,343 મતદારો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 

– રીસીવિંગ – ડિસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્રની વિગતો –

       સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે રીસીવિંગ – ડિસ્પેચિંગ સેન્ટર અને મતગણતરી કેન્દ્રની વિગતોમાં ખંભાળિયા તાલુકા પંચાયતમાં અત્રે હરીપર ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે, ભાણવડ તાલુકા પંચાયતમાં સરકારી વિનયન કોલેજ ખાતે, કલ્યાણપુર તાલુકા પંચાયતમાં સરકારી વિનયન કોલેજ ખાતે તેમજ મતગણતરી કલ્યાણપુરની સરકારી વિનયન કોલેજ ખાતે, દ્વારકા તાલુકા પંચાયતમાં એન.ડી.એચ.હાઈસ્કૂલ, ખાતે, ખંભાળિયા નગરપાલિકામાં પ્રાંત કચેરી તેમજ અહીંના મતગણતરી ભોંય તળીયે, જામ રાવલ નગરપાલિકામાં રાવણમાં એચ.જી.એલ. હાઈસ્કૂલ ખાતે તેમજ સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી ખંભાળિયામાં જિલ્લા પંચાયત કચેરીમાં બીજા માળે થશે.

– બિનહરીફ થયેલ બેઠકની વિગતો –

    આ ચૂંટણીમાં બિનહરીફ થયેલ બેઠકોની વિગતોમાં ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં. 5 ની તમામ 4 બેઠકો તથા વોર્ડ નં. 8 ની 1 બેઠક મળી કુલ 5 બેઠકો તેમજ ખંભાળિયા તાલુકા પંચાયતમાં હર્ષદપુર – 1 અને લાલપરડા બેઠક બિનહરીફ થઈ છે. જ્યારે, તાલુકા પંચાયતની 78, જિલ્લા પંચાયતની 22 અને નગરપાલિકાઓની 56 બેઠકો એમ મળી કુલ 156 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવશે. 

– મતદાન સ્ટાફની વિગત –

      દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ તમામ ચૂંટણીને અનુલક્ષીને અધિકારીઓ સહિત 5,756 જેટલો મતદાન સ્ટાફ ફરજ બજાવશે. 

– મતદાન માટે માન્ય ઓળખના પુરાવાઓ –

     મતદાન સમયે મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ મતદાર ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેશે. પરંતુ વાજબી કારણસર EPIC રજૂ કરી શકે તેમ ન હોય તો, મતદારની ઓળખ માટે રાજય ચૂંટણી આયોગના દ્વારા નિયત કરેલા ફોટા સાથેના 14 પૈકીના દસ્તાવેજોમાંથી કોઇ એક દસ્તાવેજ રજૂ કરી શકશે.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *