Headlines

કુતિયાણા પોલીસની મોટી સફળતા: કેશોદના પ્રોહિબિશનના ગુનામાં નાસતો-ફરતો નામચીન આરોપી છરી સાથે ઝડપાયો


પોલીસ પર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કરનાર ઈશ્વરીયા ગામનો વિજય વિંઝુડા બલેનો કાર અને હથિયાર સાથે આખરે લોકઅપ ભેગો

ધ ગ્રેટ વર્લ્ડ, કુતિયાણા

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ૧૬ મે ૨૦૨૬ થી ૩૦ મે ૨૦૨૬ સુધીની એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક ધ્રુવલ સી સુતરીયાના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.વાલા અને તેમની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક અતિ મહત્વની સફળતા મેળવી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક ગંભીર અને ગણનાપાત્ર ગુનામાં લાંબા સમયથી નાસતો-ફરતો આરોપી આખરે હથિયાર સાથે કુતિયાણા પોલીસના સકંજામાં આવી ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, કુતિયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સંયુક્ત પેટ્રોલિંગમાં હતો, ત્યારે તેમને એક ચોક્કસ અને ખાનગી બાતમી હકીકત મળી હતી. બાતમી એવી હતી કે કેશોદ પોલીસ સ્ટેશનના ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને પ્રોહિબિશન તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નાસતો-ફરતો આરોપી વિજય મગનભાઈ વિંઝુડા (રહેવાસી ઈશ્વરીયા ગામ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર) હાલ પોતાના ઘરે આવેલો છે. આ બાતમીના આધારે પોલીસે તુરંત ઈશ્વરીયા ગામે તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન જાણવા મળ્યું કે આરોપી પોતાની માલિકીની સિલ્વર-ગ્રે કલરની બલેનો ફોરવીલ કાર (રજીસ્ટ્રેશન નંબર-GJ-06-PC-0848) લઈને ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યો છે.
ત્યાં હાજર પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કરતા આરોપી વિજય વિંઝુડાએ પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાના ઈરાદે પોતાની કાર સીધી પોલીસ પર ચડાવવાનો ઘાતક પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી પૂરપાટ ઝડપે કાર ભગાડી નાસી છૂટ્યો હતો. આ હુમલા અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં તેની સામે સરકારી કર્મચારી પર હુમલો અને હત્યાના પ્રયાસ અંગે અલગથી ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સર્વેલન્સ ટીમને ફરીથી ખાનગી રાહે બાતમી મળી કે આરોપી પોતાની આ જ બલેનો કાર લઈને હમદપરા બાજુથી ગોકરણ તરફ જઈ રહ્યો છે. પોલીસે સહેજ પણ સમય બગાડ્યા વિના હમદપરાથી ગોકરણ જવાના રસ્તે તળાવની પાળ પાસે વોચ ગોઠવીને આરોપીને તેની કાર સાથે કોર્ડન કરીને આબાદ ઝડપી પાડ્યો હતો.
પોલીસે પકડાયેલા આરોપી વિજયની બલેનો કારની તલાશી લેતા તેમાંથી એક લોખંડની તીક્ષ્ણ છરી મળી આવી હતી. આ છરી રાખવા બદલ અને પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિજય વિંઝુડાનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ચોંકાવનારો છે. તેની સામે અગાઉ કુતિયાણા, ધોરાજી, જામજોધપુર, જૂનાગઢ સી-ડિવિઝન અને કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, મારામારી, ચોરી, અપહરણ અને આર્મ્સ એક્ટ સહિતના કુલ ૧૨ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ સમગ્ર સફળ કામગીરીમાં કુતિયાણાના પીઆઈ એમ.ડી.વાલા, હેડ કોન્સ્ટેબલ વાય.એસ.વાલા, એ.એચ.જાડેજા, એચ.પી.વરૂ તથા કોન્સ્ટેબલ વિજય ગાગીયા, અક્ષયસિંહ ઝાલા અને અશ્વિન વરૂ સહિતના સ્ટાફે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *