
– ખંભાળિયાના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ભાણવડમાં પ્રિતેશ ડાંગરને જવાબદારી –
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટેની આજરોજ યોજાઈ ગયેલી ખાસ બેઠકમાં આ બંને તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી થવા પામી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની તાલુકા પંચાયતની 24 બેઠક પૈકી ભાજપને 22 બેઠક મળી છે. ત્યારે ખંભાળિયા તાલુકા પંચાયતના નવા સુકાનીઓ માટેની ચૂંટણી પૂર્વે ફોર્મ ભરવાના અંતિમ દિને ગઈકાલે ભાજપ સિવાયના અન્ય કોઈ પણ ઉમેદવારોના ફોર્મમાં ન આવતા આખરે ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શક્તિસિંહ વિજયસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે રાજશીભાઈ કેશુરભાઈ ગોજીયા, કારોબારી ચેરમેન તરીકે જયેશ મનજી કણજારીયા, પક્ષના નેતા તરીકે પ્રવીણ લખમણભાઈ માયાણી અને દંડ તરીકે મનિષાબેન ચંદુલાલ રાજગોરની જાહેરાત કરવામાં આવી હતી.
આ તમામ હોદ્દેદારો આજરોજ વિધિવત રીતે બિન હરીફ જાહેર થયા છે.
આ સાથે ભાણવડ તાલુકા પંચાયતમાં પણ કુલ 16 પૈકી 14 બેઠક ભાજપના ફાળે જવા પામી છે. ત્યારે ભાણવડમાં પણ ભાજપ સિવાય અન્ય કોઈ ઉમેદવારોએ હોદ્દા માટેની દાવેદારી ન નોંધાવતા આખરે ભાજપ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રમુખ તરીકે નવયુવાન સદસ્ય પ્રિતેશ વિનોદભાઈ ડાંગરની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઉપપ્રમુખ તરીકે સવિતાબેન ગોવિંદભાઈ નનેરા, કારોબારી તરીકે રમીલાબેન કિરણભાઈ નનેરા, પક્ષના નેતા તરીકે રાજુ આલાભાઈ કોડિયાતર અને દંડક તરીકે નયનાબેન ચેતનભાઈ નકુમની જાહેરાત કરવામાં આવી હતી. આ તમામ હોદ્દેદારો આજરોજ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયા માટે જિલ્લા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની ટીમ દ્વારા જરૂરી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આ તમામ વિજેતા હોદ્દેદારોને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રાજુભાઈ ભરવાડ, યુવરાજસિંહ વાઢેર અને પરબતભાઈ ભાદરકા દ્વારા સહિતના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા આવકારીને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
