Headlines

ખંભાળિયા વીજચોરી કેસમાં આરોપીને ત્રણ વર્ ષની સખત કેદ અને રૂ. 29.53 લાખનો દંડ


જામ ખંભાળિયા, તા. ૨૩-૦૪-૨૦૨૬

ખંભાળિયા તાલુકાના વડાલિયા સિંહણ ગામે આરાધના ધામ પાસે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ગત તારીખ ત્રીજી ઓગસ્ટ 2022 ના રોજ વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન મોટા માંઢા ગામના રહીશ એવા આરોપી સહદેવસિંહ મનુભા ગોહિલની શ્રી કુબેર હોટેલ ખાતે ચેકિંગ કાર્યવાહીમાં વીજ ચોરી કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું.
આરોપી શખ્સ પોતાની હોટલમાં કોઈ વીજ મીટર ધરાવતા ન હોય અને ગેરકાયદેસર રીતે પોતાની હોટલની બાજુમાં આવેલા પીજીવીસીએલના ટી.સી.ના ડી.બી. બોક્સ પરથી અનધિકૃત રીતે પોતાનો સર્વિસ વાયર જોડીને ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો મેળવતો હોવાનું ખુલવા પામ્યું હતું. તેનો ઉપયોગ આરોપી કોમર્શિયલ હેતુમાં કરતા આને અનુલક્ષીને રૂ. 4,92,211 ની વીજ ચોરી થયાનું જાહેર થયું હતું.
આ પ્રકરણમાં પીજીવીસીએલના અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ વીજ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવ્યા હતી. જે ફરિયાદ અન્વયે તમામ તપાસ બાદ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ ખંભાળિયામાં પ્રિન્સિપાલ સેશન્સ અને સ્પેશિયલ ઇલેક્ટ્રીક કોર્ટના જજ શ્રી એસ.વી. વ્યાસ સમક્ષ ચાલી જતા આ કેસમાં મહત્વના સાક્ષીઓની તપાસ તથા મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ, અદાલતે આરોપી સહદેવસિંહ મનુભા ગોહિલને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદ તથા વીજ ચોરીની રકમનો છ ગણો રૂ. 29,53,266 ના દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *