ઘોઘા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પિતાનું મૃત્યુ નીપજતા પુત્રએ નોંધાવી પોલીસ ફરિયાદ, અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર પાટીયા પાસેથી પસાર થઈ રહેલા એક મોટરસાઇકલ સવાર ભરતભાઈ સોલંકી (રહે. રામપર ગામ) ને પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી ઘોઘા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા ભરતભાઈ સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના ભાઈના દીકરા કિશોરસિંહ સોલંકી દ્વારા ફોન કરીને પરિવારને કરવામાં આવી હતી. આ અંગે મૃતકના પુત્ર ઉમેશભાઈ ઉર્ફે લાલાભાઈ ભરતભાઈ સોલંકી (ઉ.વ. ૩૩, રહે. રામપર ગામ) દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ભરતભાઈ સોલંકી કડિયા કામ અર્થે ભાવનગર ગયા હતા અને કામ પતાવીને મોટરસાઇકલ પર પોતાના વતન રામપર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રામપર પાટીયા પાસે જીજે ૦૪ એક્સ ૭૪૧૪ નંબરના ટ્રક ચાલકે પોતાના ટ્રકને પૂરઝડપે અને બેફામ રીતે ચલાવીને અકસ્માત સર્જ્યો હતો અને વાહન મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસે આ મામે ગુનો નોંધીને તપાસ કરનાર અધિકારી ડી.ડી. બોમા તથા અરવીંદસિંહ છનુભા સરવૈયા દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
