ભાવનગરના હાથબ ગામે પોલીસે પાડી રેડ, વિદેશી દારૂના જથ્થા સાથે મુકેશભાઈ ઢાપા ઝડપાયો
પાસ-પરમિટ વગરની રોયલ સ્ટેગની 42 બોટલ કબજે કરી ઘોઘા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડની ગંભીર ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે સઘન અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. ઘોઘા પોલીસ સ્ટેશનના અર્જુનભાઈ રઘુભાઈ ગળચર, અનિલભાઈ હિંમતભાઈ મકવાણા, અર્જુનસિંહ બાપુભાઈ ગોહીલ તથા બી.એચ. સોલિયા પેટ્રોલિંગ દરમિયાન હાથબ ગામ સીમાડા નાના પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે હાથબ ગામના બંગલા રોડ સામે રહેતો મુકેશભાઈ માધાભાઈ ઢાપા પોતાના મકાનમાં બહારથી વિદેશી દારૂ મંગાવીને તેનું વેચાણ કરે છે.
આ મળેલી બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને હાથબ ગામના બંગલા રોડ સામે આવેલ મુકેશભાઈ માધાભાઈ ઢાપા (ઉ.વ. 33) ના મકાન પર અચાનક રેડ કરી હતી. મકાનની ઝડતી અને તલાશી લેતા તેના મકાનના રૂમમાંથી પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. આ થેલીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની રોયલ સ્ટેગ ઇમ્પિરિયલ બ્લુ વિદેશી દારૂની ક્વાર્ટર બોટલ નંગ 42 મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂની કુલ કિંમત રૂપિયા 12,500 થાય છે. પોલીસે પાસ-પરમિટ વગરનો આ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસ દ્વારા મુકેશભાઈ માધાભાઈ ઢાપા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરી કરનાર પોલીસ ટીમમાં અર્જુનભાઈ રઘુભાઈ ગળચર, અનિલભાઈ હિંમતભાઈ મકવાણા, અર્જુનસિંહ બાપુભાઈ ગોહીલ અને બી.એચ. સોલિયા સામેલ હતા. આ ગુનાની આગળની તપાસ બાગેશ્વરિસિંહ લાલુભા ગોહીલ દ્વારા હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસની આ પ્રકારની કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.
