Headlines

નવારતનપરમાં મકાનની કાચી દિવાલ ધસી પડતાં મહિલા દટાઈ: સદનસીબે મોટી જાનહાનિ ટળી


ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર

— ભાવનગર તાલુકાના નવા રતનપર ગામે ગઈકાલે સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ગામમાં આવેલ જેઠવાના મઢ પાસે એક મકાનની કાચી ઈંટો વાળી દિવાલ પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ૩૭ વર્ષીય ભાવુબેન સુરેશભાઈ જેઠવા દિવાલના નીચેના ભાગમાં ખોદકામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક આખી દિવાલ તેમની ઉપર ધસી પડી હતી.
દિવાલના કાટમાળ નીચે દટાઈ જતાં ભાવુબેન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને શરૂઆતમાં તેઓ બેભાન થઈ ગયા હતા તથા બોલવાની સ્થિતિમાં નહોતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ સુરેશભાઈ જેઠવા અને ભુથાભાઈ જેઠવા સહિતના પરિવારજનો ચિંતાતુર વદને હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ જરૂરી પ્રાથમિક સારવાર અને દવાઓ આપ્યા બાદ જણાવ્યું હતું કે, હાલ દર્દીની સ્થિતિ સારી અને સ્થિર છે. યોગ્ય ટ્રીટમેન્ટ બાદ તેઓ આગામી માત્ર બે મહિનામાં ફરી ચાલતા થઈ જશે, જેથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *