Headlines

નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામ​લાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર


નવારતનપર ગામમાં પાણીની ગંભીર સમસ્યા: જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની મનમાનીથી આખું ગામ ત્રાહિમામ
​લાખો રૂપિયાનો રોડ બનાવવાની ઘેલછામાં કરોડોની પાઇપલાઇન તોડી નંખાતા દસ દિવસથી ગ્રામજનો પાણી વગર વલખા મારવા મજબૂર

નારન બારૈયા, ધ ગ્રેટ વર્લ્ડ (કર્ટસી: બુબુ વર્લ્ડ)
​ભાવનગર જિલ્લાના નવારતનપર ગામે હાલમાં જ વિકાસના નામે સવાર થયેલા વિનાશ અને વહીવટી બેદરકારીનું એક મોટું ચિત્ર સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના કોન્ટ્રાક્ટરની ભારે લાપરવાહી અને જોહુકમીના કારણે આખું ગામ પાણી વિના ટળવળી રહ્યું છે. ગામમાં લાખો રૂપિયાના ખર્ચે નવો રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ટોળકીએ જમીન નીચે આવેલી કરોડો રૂપિયાની પાણીની પાઇપલાઇનોને કોઈ પણ જાતની કાળજી કે દેખરેખ વગર સદંતર તોડી નાખી છે. પરિણામે છેલ્લા દસ દિવસથી સમગ્ર નવારતનપર ગામ પાણી વગરનું બન્યું છે અને ગ્રામજનો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે.


​સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ગામમાં રોડ પર જગ્યા જગ્યાએ પાઇપલાઇન તૂટી જવાના કારણે પીવાનું પાણી ખુલ્લામાં વહી રહ્યું છે અને કાદવ-કીચડના ઠેકાણાં જોવા મળી રહ્યા છે. વીડિયો અને ફોટોઝમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે રસ્તા પર કાંકરી અને પથ્થરો નાખીને કામગીરી ચલાવવામાં આવી રહી છે, જ્યારે બીજી બાજુ પાણીના ભડાકા ફૂટી રહ્યા છે અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. આ ગંભીર સમસ્યાના કારણે ગામના નાના બાળકો, પશુઓ અને વૃદ્ધો સહિત તમામ ગ્રામજનો મુશ્કેલીમાં છે.
​આ સમગ્ર કટોકટીભરી પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર અને જવાબદાર વહીવટી અધિકારીઓની નિષ્ક્રિયતા પણ ખુલ્લી પડી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, પંચાયત પણ આ કોન્ટ્રાક્ટરની આગળ લાચાર બની ગઈ હોય તેમ કોન્ટ્રાક્ટરની બેફામ ટોળકી પંચાયતને કે સ્થાનિકોને જરાય ગાંઠતી નથી. કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆતો કરવા છતાં તેના કાન પર જૂ પણ સરકતી નથી અને તે કોઈની પણ વાત સાંભળવા તૈયાર નથી.
​આવી ગંભીર પરિસ્થિતિમાં ગામના સરપંચ ગૌતમ બારૈયાની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે રોમ ભડકે બળી રહ્યું હતું ત્યારે નીરો ફિડલ વગાડી રહ્યો હતો, તેવી જ રીતે નવારતનપર ગામ પાણી વગર ત્રાહિમામ પોકારી રહ્યું છે ત્યારે સરપંચ ગૌતમ બારૈયા એટલી હદે ગુમ થઈ ગયા છે કે તેઓ અત્યારે શું કરી રહ્યા છે તેની કોઈને ખબર નથી. લોકોમાં ચર્ચા છે કે સરપંચ આ ગંભીર પ્રશ્ને કોઈ નક્કર કડક કાર્યવાહી કરવાના બદલે માત્ર કોન્ટ્રાક્ટરને મૌખિક વિનંતીઓ જ કરી રહ્યા છે. સામે પક્ષે, કોન્ટ્રાક્ટર “હા થઈ જશે, હા થઈ જશે” તેવા ગોળ-ગોળ જવાબો આપીને ભોળા સરપંચને મહામૂર્ખ સાબિત કરી રહ્યો છે.
​વાસ્તવિકતા એ છે કે સરપંચ અને કોન્ટ્રાક્ટરને જેટલી આ સમસ્યા સામાન્ય લાગે છે, તેના કરતા આ પ્રશ્ન ઘણો મોટો અને અત્યંત ગંભીર છે. ગામની જીવાદોરી સમાન પાણીની લાઈનોને આ રીતે આડેધડ અને જોયા-જાણ્યા વગર તોડી નાખવી એ માત્ર લાપરવાહી નથી, પરંતુ એક મોટો ગુનાહિત અપરાધ છે. ગ્રામજનોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ કોઈ સામાન્ય બેદરકારી નથી, પરંતુ આની પાછળ કોઈ ઈરાદાપૂર્વકની બેદરકારી હોવાની પણ પૂરી સંભાવના હોઈ શકે છે.
​જિલ્લા પંચાયતના આ બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે જો વહેલી તકે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે અને પાઇપલાઇનનું રિપેરિંગ કરી પાણી પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ રહી છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કરીને કોન્ટ્રાક્ટરની દાદાગીરી અટકાવવામાં આવે અને ગ્રામજનોને પાણીની સુવિધા પુનઃ પ્રાપ્ત થાય તેવું લોકહીતમાં અનિવાર્ય બન્યું છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *