મહુવાના રાણાબાગથી શરૂ થયેલી જીવનયાત્રાએ પત્રકારત્વ, સાહિત્ય અને સામાજિક ચિંતનમાં ઊંડી છાપ છોડી; ૨૦ ઓગસ્ટે અમદાવાદના પાલડી ખાતે અંતિમ વિધિ
ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ
પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અવસાન થતાં પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી છે. સંવેદનશીલ લેખન, સમાજવાદી વિચારો, કોમી એકતા, સમરસતા અને સમાનતાના મૂલ્યો માટે સતત કાર્યરત રહેલા કમલેશ ઓઝાની અંતિમ વિધિ તા. ૨૦ ઓગસ્ટ, ગુરુવારે સવારે ૯થી ૧૧ દરમિયાન અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા સુવર્ણ જયંતિ હોલ, શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળ ખાતે યોજાશે. તેમના પરિવારજનો જ્યોત્સનાબેન કમલેશભાઈ ઓઝા, ભરમંગ કમલેશભાઈ ઓઝા, પ્રતીક કમલેશભાઈ ઓઝા, નિયતિ ભરમંગ ઓઝા અને દીપાલી પ્રતીક ઓઝા સહિત સ્વજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.
કમલેશ બાલાશંકર ઓઝાનો જન્મ તા. ૨૮ એપ્રિલ, ૧૯૪૪ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા તેમના મોસાળના મહુવાના રાણાબાગ વિસ્તારમાં લીલીછમ વનરાઈ, સોપારી અને નાળિયેરીના ઝુંડ વચ્ચે આવેલા એક નાનકડા ગ્રામ્ય ઘરમાં થયો હતો. બાળપણથી જ તેમનો ઉછેર તેમની નાની ગુલાબબા પાસે થયો. માત્ર સવા વર્ષની ઉંમરે ગુલાબબાએ તેમના ઉછેરની સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી. ગુલાબબાએ તેમને મૂલ્યનિષ્ઠ સંસ્કારો આપ્યા અને નાનપણથી જ ગાંધીજીના વિચારો સાથે પરિચિત કરાવ્યા. નરસિંહ મહેતાની ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ની ભાવના પણ તેમના જીવનમાં ઊંડે સુધી ઉતરી હતી અને તેમના અનેક લેખોમાં તેની અસર જોવા મળતી હતી.
કમલેશ ઓઝાએ મહુવા ગામમાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ભાવનગરની શામળદાસ કોલેજમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પદવી મેળવી. બાળપણમાં જ સમાજવાદી સમાજરચના તરફ તેમનો ઝોક ઊભો થયો હતો. પ્રજાસમાજવાદી પક્ષના જસવંત મહેતા અને છબીલદાસ મહેતાના વિચારો અને ભાષણોથી તેઓ પ્રભાવિત થયા હતા. વર્ષ ૧૯૭૨માં પાલીતાણામાં આરોગ્ય વિભાગમાં નોકરી દરમિયાન પ્રખર સામ્યવાદી વિચારક બટુક વોરા પાલીતાણા વિધાનસભાની ચૂંટણી લડવા આવ્યા હતા. તે સમયના રાજકીય સંજોગોમાં બટુક વોરાએ ઇન્દિરા ગાંધીના ઉમેદવારને હરાવી ગુજરાતના પ્રથમ સામ્યવાદી ધારાસભ્ય તરીકે સ્થાન મેળવ્યું હતું. ત્યારથી કમલેશ ઓઝા સામ્યવાદી વિચારો સાથે ડાબેરી ઝોક ધરાવતા વિચારક તરીકે સતત સક્રિય રહ્યા હતા.
તેમના લેખનનો મુખ્ય આધાર માનવીય સંવેદના હતી. તેમની સંવેદનાની સફરમાં સમાજશાસ્ત્રના અભ્યાસની ઊંડી અસર, બિનસાંપ્રદાયિક વિચારસરણી, હિન્દુ-મુસ્લિમ કોમી એકતા, સમરસતા અને સમાનતાની સ્થાપનાની તીવ્ર ઝંખના સ્પષ્ટપણે જોવા મળતી હતી. ૮૨ વર્ષની વયે પણ તેઓ ૪૫ વર્ષના યુવાન જેવો ઉત્સાહ અને જુસ્સો ધરાવતા હતા. વેપારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને સમાજના વિવિધ વર્ગના લોકો સાથે તેમનો સતત જીવંત સંપર્ક રહ્યો હતો. પરિવાર માટે તેઓ લાગણીસભર વ્યક્તિ હતા તો સમાજ માટે સતત વિચારતા અને લખતા સક્રિય લેખક હતા.

ગુજરાતી સાહિત્યના ગૌરવ પુરસ્કાર વિજેતા કવિ ગિરીશ પરમારે કમલેશ ઓઝાએ તેમને પોતાના એડોપ્ટેડ સન તરીકે ઓળખાવ્યા હોવાનું જણાવ્યું છે. ગિરીશ પરમારે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે કમલેશ ઓઝા તેમના માટે એક પિતા સમાન પણ હતા અને એક મિત્ર સમાન પણ હતા. તેમનું માર્ગદર્શન જીવનમાં અને કવનમાં હંમેશા ઉપયોગી રહ્યું હતું. ગુજરાતી સાહિત્યએ એક આશાસ્પદ કવિ ગુમાવ્યા છે અને ગુજરાતને એક સારા પત્રકારની પણ ખોટ પડી છે. કમલેશભાઈ પોતાની કલમથી જેટલા અનોખા હતા તેટલા જ તેઓ માણસ તરીકે પણ ઉમદા અને અનોખા હતા. તેમની વિદાય તેમના અંગત જીવનમાં અને સાહિત્યિક જીવનમાં ન પુરી શકાય તેવી ખોટ છે.
કમલેશ ઓઝાનું જીવન માત્ર પત્રકાર કે લેખક તરીકેની ઓળખ પૂરતું સીમિત નહોતું. મૂલ્યનિષ્ઠ જીવન, માનવતાવાદી વિચારસરણી, સામાજિક સમાનતા અને સંવેદનશીલ લેખન તેમની ઓળખના અભિન્ન ભાગ હતા. તેમની કલમમાંથી સમાજના વંચિત અને પીડિત વર્ગની વેદના, માનવીય સંબંધોની ઉષ્મા અને એકતા-સમરસતાનો સંદેશ સતત પ્રગટતો રહ્યો. તેમના અવસાનથી પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે એક સક્રિય, સંવેદનશીલ અને વિચારશીલ અવાજનું અવસાન થયું છે. ૮૨ વર્ષની વયે પણ અવિરત સર્જનાત્મક અને સામાજિક પ્રવૃત્તિમાં રહેલા કમલેશ ઓઝાની જીવનયાત્રા તેમના લેખન, વિચારો અને માનવીય સંબંધોના વારસામાં જીવંત રહેશે.
