ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર શહેરના કર્લી જળાશયમાં વર્ષોથી ફેલાયેલી ગાંડીવેલ (જળકુંભી) હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવા માટે અંદાજિત રૂ. ૫૯ લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરીને વધુ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર કર્લી જળાશયમાં વધતી ગાંડીવેલના કારણે પાણીના સ્વાભાવિક પ્રવાહમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો. તેના પરિણામે પાણીની ગુણવત્તા બગડી રહી હતી અને જળાશયની સંગ્રહ ક્ષમતા પણ ઘટી રહી હતી. હવે ગાંડીવેલના અસરકારક નિકાલ બાદ પાણી વધુ સ્વચ્છ બનશે તેમજ જળાશયની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાંડીવેલના કારણે મચ્છર અને જીવાતોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ રહી હતી, જેના કારણે જાહેર આરોગ્ય ઉપર પણ અસર પડી રહી હતી. સફાઈ કામગીરી પૂર્ણ થયા બાદ આસપાસના વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધમાં ઘટાડો થશે અને નાગરિકોને સ્વચ્છ વાતાવરણ મળશે.
પર્યાવરણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ગાંડીવેલના અતિરેકથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે, જે માછલીઓ અને અન્ય જળચર સજીવો માટે હાનિકારક સાબિત થાય છે. હવે ગાંડીવેલ દૂર થતા જળાશયમાં ઓક્સિજનનું સ્તર સુધરશે, જેના કારણે જળચર સૃષ્ટિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે અને બાયોડાયવર્સિટી વધશે.
પોરબંદર મહાનગરપાલિકાનું આ પગલું શહેરની સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જાહેર આરોગ્ય સુધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

