Headlines

પોરબંદરના કાંટેલા ગામે બંધ મકાનમાંથી ઝડપાયેલા રૂ. 4 લાખના બિનવારસુ ગાંજા કેસમાં 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર, કોર્ટનો પોલીસ કસ્ટડી સામે મહત્વનો હુકમ


ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

પોરબંદર તાલુકાના કાંટેલા મુકામે બંધ મકાનમાંથી આશરે રૂ. 4 લાખની કિંમતનો બિનવારસુ ગાંજો મળી આવવાના ચકચારી પ્રકરણમાં આરોપી તરીકે ઝડપાયેલા 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી પોરબંદરની કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આરોપી તરફથી કરવામાં આવેલી દલીલો તથા પોલીસ દ્વારા રજૂ કરાયેલી વિગતોને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે રિમાન્ડ અરજી રદ કરવાનો હુકમ કર્યો હતો.

મળતી વિગતો મુજબ પોરબંદર તાલુકાના કાંટેલા મુકામે બંધ મકાનમાંથી આશરે રૂ. 4,00,000ની કિંમતનો ગાંજો મળી આવ્યો હોવાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં ગાંજો બિનવારસુ મળી આવ્યો હોવાનું પોલીસ તરફથી જણાવાયું હતું. સમગ્ર મામલે પોલીસ અધિકારી ફરિયાદી બન્યા હતા અને મીંયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ગુનાની તપાસના અનુસંધાને પોલીસે જય વિપુલભાઈ ગોરસેરા નામના 21 વર્ષીય યુવાનની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

આરોપી તરફથી એડવોકેટ ભરતભાઈ લાખાણીએ રિમાન્ડ અરજીનો વિરોધ કર્યો હતો. કોર્ટ સમક્ષ કરવામાં આવેલી દલીલમાં જણાવાયું હતું કે પોલીસ દ્વારા બિનવારસુ ગાંજો પકડવામાં આવ્યો છે અને પોલીસની રિમાન્ડ અરજીમાં જ એવી વિગતો દર્શાવવામાં આવી છે કે આરોપીએ કલકત્તા રેલવે સ્ટેશન પરથી અજાણ્યા વ્યક્તિઓ પાસેથી ગાંજો લાવ્યો હોવાનું જણાવાયું છે.

બચાવ પક્ષે દલીલ કરી હતી કે આરોપી પાસેથી પોલીસને જે માહિતી મળવાની હતી તે તેણે તપાસ દરમિયાન જણાવી દીધી હોવાનું રિમાન્ડ અરજીમાં જ દર્શાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં માત્ર વધુ પૂછપરછના કારણસર પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપવાનું યોગ્ય કારણ રહેતું નથી. વધુમાં, કલકત્તા સુધી તપાસ કરવા જવાની બાબત પાંચ દિવસની રિમાન્ડ અવધિમાં વ્યવહારિક રીતે પૂર્ણ થઈ શકે તેમ ન હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

બચાવ પક્ષે વધુમાં જણાવ્યું હતું કે આરોપી પાસેથી જરૂરી પૂછપરછ થઈ ચૂકી હોવાના સંજોગોમાં વધુ રિમાન્ડ આપવાથી તપાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થવાની શક્યતા દર્શાવવામાં આવી નથી. તેથી પોલીસ રિમાન્ડની માંગણી નામંજૂર કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

આ સમગ્ર દલીલો અને કેસની વિગતોને ધ્યાનમાં લીધા બાદ પોરબંદરના જયુ. મેજી. ફ.ક. સબા દ્વારા કાયદાકીય જોગવાઈઓને ધ્યાને લઈ આરોપી જય વિપુલ ગોરસેરાની રિમાન્ડ અરજી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે માંગેલા પાંચ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા નથી.

આ કેસમાં આરોપી તરફથી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, નવધણ જાડેજા, ભૂમી વરવાડીયા, ચાંદની મદલાણી અને ભાવના પારધી રોકાયેલા હતા. સહાયક તરીકે નિલેશ એમ. પરમાર જોડાયેલા હતા.

કાંટેલા ગામે બંધ મકાનમાંથી મળી આવેલા ગાંજાના જથ્થા અંગેની તપાસ હવે કોર્ટના રિમાન્ડ હુકમ બાદ પોલીસ દ્વારા આગળ વધારવામાં આવશે. બિનવારસુ ગાંજો ક્યાંથી આવ્યો અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે કેમ તે સહિતની તપાસ હવે પોલીસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *