એલસીબી પોલીસે દારૂ બનાવવાની સામગ્રી અને તૈયાર બોટલો સહિત કુલ 4,09,105 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
પોરબંદર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક ગુના શોધક શાખા એટલે કે એલસીબી પોલીસે નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડીને એક મોટી સફળતા મેળવી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાંથી વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ઉદયલાલ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મક્કા, વિરેન્દ્રસિંહ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને એક ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે પોરબંદરમાં સાંદીપની શાળા પહેલાં આવેલા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાછળ ડેલામાં રહેતો બાબુ કેશવભાઈ ઓડેદરા પોતાના કબ્જા ભોગવટાના ડેલામાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યો છે અને હાલમાં ત્યાં આ પ્રવૃત્તિ ચાલુ છે.
આ સચોટ માહિતીના આધારે પોલીસે જે તે જગ્યા પર દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાછળના ડેલામાંથી પોરબંદરના જ રહેવાસી બાબુ કેશવભાઈ ઓડેદરા હાજર મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે આ શખ્સ પોતાના અંગત આર્થિક લાભ માટે નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાનું કારખાનું ચલાવતો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આ ગુનામાં અન્ય સહઆરોપીઓ રણજીત લીલાભાઈ ભુતિયા, ભરત લીલાભાઈ ભુતિયા અને ભોલા દીપકભાઈ ખુંટીએ ભેગા મળીને આ આખી ફેક્ટરી શરૂ કરવા માટે આયોજન કર્યું હતું. આ તમામ શખ્સોએ રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટેગ જેવી નામાંકિત બ્રાન્ડના માર્કા લગાવીને અસલી દારૂ તરીકે વેચાણ કરવા માટેનું કાવતરું રચ્યું હતું. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવવા માટે વપરાતા સાધનો, પ્લાસ્ટિકના બેરલ, કેમિકલ, ખાલી બોટલો, સ્ટીકરના રોલ અને માર્કા વગેરે સામગ્રી કબ્જે કરી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી કબ્જે કરેલા મુદ્દામાલમાં મરૂણ કલરના હાંકણા, બોટલો ઉપર લગાવવાના સ્ટીકરના રોલ, બોટલો ઉપર સીલ કરવા માટે ચોંટાડવાની પટ્ટીઓ, સેલોટેપ, ઇન્જેક્શન, આલ્કોહોલ માપવા માટેનું મીટર, કાચની ખાલી બોટલો ભરેલા બાચકા અને બોટલો ભરવા માટેના પૂંઠાના બોક્સનો સમાવેશ થાય છે. આ સિવાય કેસરી કલરનું પ્રવાહી ભરેલ પ્લાસ્ટિકનું કેન, પાણીની પ્લાસ્ટિકની બોટલો, સ્પિરિટ જેવું રંગવિહીન પ્રવાહી ભરેલા પ્લાસ્ટિકના બેરલ, વાયરિંગ સાથેનો ઇલેક્ટ્રિક મોટર પંપ અને લોખંડના પાઇપ સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના રોયલ ચેલેન્જ પ્રીમિયમ ડીલક્સ વ્હીસ્કીના માર્કા વાળી 340 મિલી ભરેલી સીલપેક કુલ 496 બોટલો કબ્જે કરી છે, જેની કિંમત 3,92,816 રૂપિયા થાય છે. પોલીસે આ તમામ સામગ્રી અને 500 રૂપિયાની કિંમતનો એક કીપેડવાળો મોબાઇલ ફોન મળીને કુલ 4,09,105 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે મુખ્ય આરોપી બાબુ કેશવભાઈ ઓડેદરાની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ રણજીત લીલાભાઈ ભુતિયા, ભરત લીલાભાઈ ભુતિયા અને ભોલા દીપકભાઈ ખુંટી હાજર મળી આવ્યા ન હોવાથી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ કમલાબાગ… પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ… પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદિયા, ઉદયલાલ વરૂ, હેડ કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુળદીપસિંહ જાડેજા, વિપુલભાઈ ઝાલા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ, જગમાલભાઈ ભારવાડીયા અને રોહિતભાઈ વસાવા જોડાયેલા રહ્યા હતા.
